ચીખલવાવના હિનાબેન ગામીતે મિશન મંગલમ અને RSETI ની તાલીમથી કંડારી સફળતાની નવી રાહ

વ્યારામાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની વિરાટ પ્રતિમા સામે સાંઈ સખી મંડળના હિનાબેન ગામીતનો રાખડી સ્ટોલ
—
૨૦૧૨ માં મિશન મંગલમમાં જોડાયા અને ૨૦૨૩ માં RSETI માં તાલીમ લઇ પગભર બન્યા શ્રીમતી ગામીત
—
પરિવારને આર્થિક ટેકો આપવા સક્ષમ બનાવવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરતા શ્રીમતી હિનાબેન ગામીત
—
અન્ય બહેનોના પણ રાખડી અને હસ્તકળાના સ્ટોલ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૬ :- નારી સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા વ્યારાના ચીખલવાવ ગામના સાંઈ સખી મંડળના શ્રીમતી હિનાબેન ગામીતે પોતાની મહેનત અને હુન્નરના બળે આત્મનિર્ભરતા તરફ એક કદમ વધાર્યું છે.
મિશન મંગલમ અને RSETI રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત તાલીમ મેળવીને તેમણે પોતાના હાથથી વિવિધ ભાત-ભાતની અને આકર્ષક રાખડીઓ બનાવવાનું કૌશલ્ય કેળવ્યું છે.
પોતાના ઘર-પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા અને પોતાના પગ પર ઊભા રહેવાના સંકલ્પ સાથે તેમણે આ હુન્નરને રોજગારીનું માધ્યમ બનાવ્યું છે.
આ પ્રસંગે સાંઈ સખી મંડળના શ્રીમતી હિનાબેન ગામીતે જણાવ્યું કે, હું ૨૦૧૨ માં મિશન મંગલમમાં જોડાઈ હતી અને ૨૦૨૩ માં RSETI માં રાખડી બનાવવાની તાલીમ લીધી હતી. તાલીમ લીધા બાદ તરત જ સરકારી પ્રોત્સાહન હેઠળ ફાળવેલ સ્ટોલ થકી મેં રૂ. ૧૫,૦૦૦ જેટલી આવક મેળવી હતી.
આ વર્ષે પણ શ્રીમતી ગામીતે આ સ્ટોલના માધ્યમથી રૂ. ૪,૦૦૦ સુધીની આવક મેળવી લીધી છે અને આત્મનિર્ભર બનવાની આ તક આપવા બદલ તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.
રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે વ્યારા શહેરમાં આવેલા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની વિરાટ પ્રતિમા સામે તેમને રાખડીના વેચાણ માટે વિશેષ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. તેમના સ્ટોલ પર પોતાના હાથે બનાવેલી પ્રીમિયમ ફેન્સી રાખડીઓ, મોતીની રાખડીઓ, રુદ્રાક્ષ તથા બાળકો માટેની ખાસ ડિઝાઇનર રાખડીઓનું સુંદર પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. સ્થાનિક સ્તરે બનેલી આ રાખડીઓને ખરીદવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ સ્થળે માત્ર રાખડીઓ જ નહીં, પરંતુ મિશન મંગલમ હેઠળ જોડાયેલા અન્ય સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગર બહેનો દ્વારા પણ વિવિધ પ્રકારના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. અહીં રાખડીઓની સાથે સુશોભનની હસ્તકલા વસ્તુઓ અને ગૃહ ઉપયોગી વસ્તુઓના વિવિધ સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતા આ મંચ પરથી બહેનો પોતાના હુન્નરનું વેચાણ કરી આત્મનિર્ભરતાનો સાચો સંદેશ સમાજને આપી રહી છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
