મોટા વરાછા વિસ્તારમાં ભટકતી મળી આવેલી મહિલાને 181 અભયમ ટીમે સુરક્ષિત આશ્રય અપાવી માનવતાભર્યું કાર્ય કર્યું

0
મોટા વરાછા વિસ્તારમાં ભટકતી મળી આવેલી મહિલાને 181 અભયમ ટીમે સુરક્ષિત આશ્રય અપાવી માનવતાભર્યું કાર્ય કર્યું
Contact News Publisher

મહિલાની ઓળખ અને પરિવારજનો અંગે યોગ્ય માહિતી ન મળતા અભયમ ટીમે પોલીસને જાણ કરી, કાઉન્સેલિંગ બાદ મહિલાને સુરક્ષિત આશ્રય અપાવ્યો

 

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૮. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એબીસી સર્કલ નજીક એક મહિલા છેલ્લા કેટલાક દિવસોથી ભટકતી હાલતમાં જોવા મળતી હોવાની માહિતી મળતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક મદદ માટે કામગીરી કરવામાં આવી હતી.

 

અભયમ ટીમ સ્થળ પર પહોંચી મહિલાની સાથે સંવેદનશીલતાપૂર્વક વાતચીત કરી તેમની ઓળખ અને પરિવારજનો અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પોતાનું નામ કંચનબેન અશ્વિનભાઈ હોવાનું જણાવ્યું હતું. જોકે, તેઓ પોતાના પરિવાર, સરનામા કે અન્ય જરૂરી વિગતો અંગે સ્પષ્ટ માહિતી આપી શકતા ન હતા અને અલગ-અલગ વાતો કરતા હતા. તેમની વાતચીત અને વર્તન પરથી તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ જણાતી હતી. મહિલાની ઉંમર આશરે 50 વર્ષ હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.

 

સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ મહિલા છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારની એક દુકાન પાસે બેસતી હોવાનું જાણવા મળ્યું હતું. આથી અભયમ ટીમે મહિલાની સાથે વાતચીત કરી તેમને સાંત્વના આપી કાઉન્સેલિંગ કર્યું હતું અને તેમની સુરક્ષા અંગે જરૂરી સમજ આપવામાં આવી હતી.

 

મહિલાની ઓળખ તથા પરિવારજનો અંગે કોઈ ચોક્કસ માહિતી ન મળતા અને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અભયમ ટીમે નજીકના પોલીસ સ્ટેશનને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસને મહિલાની સ્થિતિ અને ઓળખ અંગે ઉપલબ્ધ માહિતી આપવામાં આવી હતી તેમજ પરિવારજનો અથવા વાલી મળી આવે તો જરૂરી કાર્યવાહી કરવા અંગે પણ જાણ કરવામાં આવી હતી.

 

મહિલાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને સુરક્ષિત સ્થળે આશ્રયની જરૂરિયાત જણાતા 181 અભયમ ટીમ દ્વારા કંચનબેનને સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો હતો. મહિલાની સલામતી અને જરૂરી કાળજીને પ્રાથમિકતા આપી તેમને યોગ્ય આશ્રયસ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.

 

આ રીતે રસ્તા પર ભટકતી અને પોતાના પરિવારજનો અંગે યોગ્ય માહિતી આપી શકતી ન હોય તેવી મહિલાને અભયમ ટીમે સમયસર મદદ કરી સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો. અભયમ ટીમની આ સંવેદનશીલ અને માનવતાભરી કામગીરીથી મહિલાને સુરક્ષિત વાતાવરણ મળ્યું હતું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other