માતાની મદદની અપીલ પર 181 અભયમ ઉમરા ટીમ તાત્કાલિક પહોંચી, સગીરા અને માતા વચ્ચે કરાવ્યું સુખદ સમાધાન
181

સગીરા અને યુવકનું કાઉન્સેલિંગ કરી સમજણ આપી, માતાને પણ પ્રેમ અને ધીરજથી દીકરીને સમજાવવા માર્ગદર્શન આપ્યું
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૭. સુરત શહેરના ઉમરા વિસ્તારમાં 18 વર્ષથી ઓછી ઉંમરની સગીરાને સમજાવવા માટે તેની માતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર મદદ માટે કોલ કર્યો હતો. કોલ મળતાની સાથે જ 181 અભયમ ઉમરા ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિ જાણી જરૂરી કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ગત રોજ સગીરાની માતાએ 181 અભયમમાં કોલ કરી જણાવ્યું હતું કે તેમની દીકરી નાની-નાની બાબતોમાં ઝઘડો કરે છે, માતા-પિતાની વાત માનતી નથી અને એક 19 વર્ષીય યુવક સાથે સંપર્કમાં છે. માતાએ અગાઉ પણ દીકરીને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દીકરી સમજવા તૈયાર ન હોવાથી તેમણે 181 અભયમની મદદ લીધી હતી. મળેલી માહિતીના આધારે 181 અભયમ ઉમરા ટીમ સગીરાની માતાએ આપેલા સરનામે તાત્કાલિક પહોંચી હતી અને માતા સાથે વાતચીત તથા કાઉન્સેલિંગ કરી સમગ્ર પરિસ્થિતિ જાણી હતી.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 181 અભયમ ટીમ દ્વારા સગીરા તથા યુવકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ટીમે સગીરાને તેની ઉંમર નાની હોવાથી હાલ પોતાના અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા સમજાવ્યું હતું. સાથે જ માતા-પિતાની ચિંતા અને લાગણી સમજવા તથા પરિવાર સાથે યોગ્ય વ્યવહાર રાખવા અંગે પણ સમજણ આપવામાં આવી હતી.
કાઉન્સેલિંગ દરમિયાન સગીરા અને યુવકે પોતાની ભૂલ સમજતા માતા સમક્ષ માફી માંગી હતી અને લેખિત બાંહેધરી આપી હતી કે હવે પછી માતા-પિતાની વાતનું પાલન કરશે તથા એકબીજાના સંપર્કમાં નહીં રહે.
181 અભયમ ટીમે માતાને પણ દીકરીની ઉંમર અને સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રેમ, ધીરજ અને સમજણથી દીકરીને સમજાવવા માર્ગદર્શન આપ્યું હતું. દીકરી સાથે કોઈપણ પ્રકારની શારીરિક હિંસા ન કરવા તથા ગુસ્સાને બદલે સંવાદ દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવા સમજાવવામાં આવ્યું હતું. સગીરા અને માતાને સોશિયલ મીડિયા તથા અન્ય માધ્યમોના ઉપયોગ દરમિયાન સાવચેતી રાખવા અંગે પણ સમજણ આપવામાં આવી હતી.
આમ, 181 અભયમ ઉમરા ટીમના સમયસર હસ્તક્ષેપ, અસરકારક કાઉન્સેલિંગ અને સમજાવટથી સગીરા અને તેની માતા વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. ટીમ દ્વારા સગીરાના સુરક્ષિત ભવિષ્ય, કારકિર્દી અને પરિવાર સાથેના સંબંધોને ધ્યાનમાં રાખીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સગીરાની ગોપનીયતા અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને સમગ્ર કાઉન્સેલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
