રસ્તા પર ભટકતી વૃદ્ધ મહિલાને 181 અભયમ ટીમ બારડોલીએ સુરક્ષિત આશ્રય અપાવ્યો

રસ્તા પર અસુરક્ષિત સ્થિતિમાં ભટકતી વૃદ્ધ મહિલાને 181 અભયમ બારડોલી ટીમે સમયસર કાઉન્સેલિંગ અને સુરક્ષાત્મક હસ્તક્ષેપ કરી સુરક્ષિત આશ્રય અપાવ્યો
જાગૃત નાગરિકની જાણના આધારે કાઉન્સેલર તૃપ્તિ પટેલે તાત્કાલિક સ્થળ પર પહોંચી વૃદ્ધ મહિલાની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી, કાઉન્સેલિંગ અને આશ્રય ગૃહ સાથે સંકલન દ્વારા જરૂરી સુરક્ષા તથા સંભાળની વ્યવસ્થા કરી.
(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : તા. ૧૬. કામરેજ પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસથી એક વૃદ્ધ મહિલા રસ્તા પર આમતેમ ભટકતી હોવાની જાણ એક જાગૃત નાગરિકના ધ્યાનમાં આવી હતી. વૃદ્ધ મહિલા એકલા અને અસુરક્ષિત સ્થિતિમાં જોવા મળતા તેમની સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી જાગૃત નાગરિકે તાત્કાલિક 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જાણ કરી હતી.
માહિતી મળતાની સાથે જ 181 અભયમ બારડોલી ટીમના કાઉન્સેલર તૃપ્તિ પટેલે તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો. કાઉન્સેલર સાથે મહિલા કોન્સ્ટેબલ સંધ્યાબેન ચૌધરી અને પાયલોટ નીરવભાઈ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે વૃદ્ધ મહિલા ગામની બહાર રસ્તા પાસે એકલા બેઠેલા જોવા મળ્યા હતા. ટીમ દ્વારા સૌપ્રથમ તેમની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાઉન્સેલર તૃપ્તિ પટેલે વૃદ્ધ મહિલા સાથે શાંતિપૂર્વક અને સંવેદનશીલતાપૂર્વક વાતચીત કરી કાઉન્સેલિંગનો પ્રયાસ કર્યો હતો.
કાઉન્સેલર દ્વારા વૃદ્ધ મહિલાની ઓળખ, રહેઠાણ, પરિવારના સભ્યો તથા તેઓ ત્યાં કેવી રીતે પહોંચ્યા તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, વૃદ્ધ મહિલાની વધુ ઉંમર અને નબળી તબિયતને કારણે તેઓ પોતાની ઓળખ અથવા પરિસ્થિતિ અંગે સ્પષ્ટ માહિતી આપી શકતા નહોતા.
આ પરિસ્થિતિમાં કાઉન્સેલર તૃપ્તિ પટેલે મહિલાની સ્થિતિનું પ્રાથમિક મૂલ્યાંકન કરી રસ્તા પર તેમને એકલા રાખવા યોગ્ય ન હોવાનું જણાયું હતું. તેમની સલામતીને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સંરક્ષણને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી હતી.
મહિલાને રસ્તા પર અસુરક્ષિત સ્થિતિમાં વધુ સમય ન રહેવું પડે અને તેમને જરૂરી સંભાળ મળી રહે તે માટે કાઉન્સેલર દ્વારા નજીકના આશ્રય ગૃહ સાથે તાત્કાલિક સંકલન કરવામાં આવ્યું હતું. જરૂરી વ્યવસ્થા થયા બાદ 181 અભયમ ટીમ દ્વારા વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે આશ્રય ગૃહમાં પહોંચાડવામાં આવ્યા હતા.
આ કામગીરી દરમિયાન 181 અભયમ ટીમ દ્વારા કાઉન્સેલિંગ, પરિસ્થિતિનું મૂલ્યાંકન, સુરક્ષાત્મક હસ્તક્ષેપ અને સંબંધિત સંસ્થા સાથે સંકલન જેવી જરૂરી કામગીરી કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનામાં જાગૃત નાગરિકની સમયસરની જાણ અને 181 અભયમ ટીમના તાત્કાલિક પ્રતિસાદથી એક વૃદ્ધ મહિલાને અસુરક્ષિત પરિસ્થિતિમાંથી બહાર લાવી સુરક્ષિત આશ્રય મળી શક્યો હતો.
181 અભયમ બારડોલી ટીમની આ કામગીરી દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને સમયસર કાઉન્સેલિંગ, સુરક્ષા, માર્ગદર્શન અને જરૂરી સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વધુ એકવાર સાબિત થઈ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
