અજાણ્યા વ્યક્તિના એક કોલથી અસહાય સ્થિતિમાં મળી આવેલી યુવતીને 181 અભયમ ટીમ ઉમરા દ્વારા સુરક્ષિત આશ્રય

અસહાય સ્થિતિમાં એકલી મળી આવેલી યુવતીને અજાણ્યા નાગરિકના સમયસરના કોલથી 181 અભયમ ટીમ ઉમરા દ્વારા કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને જરૂરી સંકલન બાદ સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો
કાઉન્સેલરની સંવેદનશીલ વાતચીતથી યુવતી પોતાની પરિસ્થિતિ અંગે માહિતી આપી શકી; સંબંધિત વ્યક્તિઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યા બાદ સખી વન સ્ટોપ સેન્ટર સાથે સંકલન કરી યુવતીને સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૬. ઈચ્છાપોરના કૃષ્ણાનગર વિસ્તારમાં ગજ્જર બિલ્ડિંગ નીચે આશરે 25 વર્ષની યુવતી છેલ્લા એક કલાકથી એકલી બેઠી હોવાની જાણ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કરવામાં આવી હતી. યુવતી હેરાન-પરેશાન જણાતી હોવાથી નાગરિકે મદદનો પ્રયાસ કર્યો, પરંતુ યુવતી સ્પષ્ટ માહિતી આપી શકતી ન હોવાથી 181 અભયમનો સંપર્ક કર્યો હતો.
કોલ મળતાની સાથે જ 181 અભયમ ટીમ ઉમરા ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં યુવતી પોતાની પરિસ્થિતિ અંગે માહિતી આપી શકતી નહોતી. કાઉન્સેલરે શાંતિપૂર્ણ અને વિશ્વાસપૂર્ણ વાતચીત દ્વારા યુવતીને આશ્વાસન આપ્યું અને કોઈપણ પ્રકારનું દબાણ કર્યા વગર તેની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો હતો.
કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે તે મૂળ બિહારની રહેવાસી છે. રાજસ્થાન પ્રવાસ દરમિયાન તેની મુલાકાત સુરતમાં હીરાની કંપનીમાં નોકરી કરતા એક યુવક સાથે થઈ હતી. બંને વચ્ચે સંપર્ક થયા બાદ યુવકે સુરત આવી લગ્ન કરવાની વાત કરતાં યુવતી સુરત આવી હતી અને તેના જણાવ્યા મુજબ આશરે છ મહિનાથી યુવક સાથે રહેતી હતી.
થોડા દિવસ અગાઉ યુવકે દાદીના અવસાનનું કારણ જણાવી યુવતીને ગામ મોકલી હતી. ગામ પહોંચ્યા બાદ યુવકનો મોબાઇલ બંધ આવતાં યુવતી ફરી સુરત આવી હતી. યુવકના રહેઠાણે પહોંચતાં મકાનમાલિકે જણાવ્યું હતું કે યુવતી ગામ ગયા બાદ યુવક રૂમ ખાલી કરીને જતો રહ્યો છે. યુવક, તેના મોટા ભાઈ તથા મિત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.
કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે તે મુસ્લિમ સમાજની છે અને યુવક હિન્દુ સમાજનો છે. સંબંધની જાણ પરિવારજનોને થઈ ગઈ હોવાથી હાલ તે પોતાના પરિવાર પાસે પરત જવા ઇચ્છતી ન હોવાનું જણાવ્યું હતું.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 181 અભયમ કાઉન્સેલર દ્વારા યુવતીને જરૂરી કાયદાકીય સમજણ, માર્ગદર્શન અને ઉપલબ્ધ વિકલ્પો અંગે માહિતી આપવામાં આવી હતી. યુવતીનો સુરતમાં કોઈ સગા-સંબંધીઓનો આધાર ન હોવાથી તેની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સખી વન સ્ટોપ સેન્ટર સાથે સંકલન કરવામાં આવ્યું હતું.
જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો હતો, જ્યાં તેને આગળની જરૂરી સહાય અને માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ રીતે એક અજાણ્યા નાગરિકના સમયસરના કોલથી શરૂ થયેલી કામગીરીમાં 181 અભયમ ટીમે તાત્કાલિક પ્રતિસાદ, સંવેદનશીલ કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને જરૂરી સંકલન દ્વારા યુવતીને અસહાય પરિસ્થિતિમાંથી બહાર લાવી સુરક્ષિત આશ્રય સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
