તાપી જિલ્લાકક્ષાના ૮૦મા સ્વતંત્રતા પર્વે ધ્વજવંદન કરી તિરંગાને સલામી અર્પણ કરતા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદી

ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદીએ કહ્યું કે…
રૂ. ૧૬૦૦ કરોડની ઉકાઈ જળાશય અને બોરીસાવર યોજનાઓ ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે
વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પ સાથે તાપી વિકાસના માર્ગે અગ્રેસર
પ્રકૃતિના ખોળે વસેલો તાપી જિલ્લો આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ છે
—
પોલીસ ટુકડી દ્વારા હર્ષધ્વનિ, વોલી ફાયરિંગ સાથે રાષ્ટ્રધ્વજને શિસ્તબદ્ધ સલામી અર્પણ કરાઈ : સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : ૧૫. :- તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૮૦મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદીએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી ધ્વજવંદન કરીને આકાશમાં લહેરાતા તિરંગાને સલામી અર્પણ કરી હતી.
ધ્વજવંદનની આ શાનદાર પળ બાદ પોલીસ ટુકડી દ્વારા હર્ષધ્વનિ અને શિસ્તબદ્ધ વોલી ફાયરિંગ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. તુરંત બાદ, ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદીએ ખુલ્લી જીપમાં સવાર થઈને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ તેમની સાથે તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી અને જિલ્લા પોલીસ વડાશ્રી જે. એન. દેસાઈ અને પરેડ કમાન્ડર પણ જોડાયા હતા.
આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદીએ દેશની આઝાદી માટે સમર્પિત મહાપુરુષો, બલિદાન આપનાર ક્રાંતિવીરો-શહીદોને યાદ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરતા તેમજ તાપી જિલ્લાના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, પ્રકૃતિના ખોળે વસેલો તાપી જિલ્લો આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દુરંદેશી નેતૃત્વ હેઠળ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પ સાથે તાપી જિલ્લો આજે વિકાસના માર્ગે અગ્રેસર બની ચૂકયો છે.
જિલ્લાની પ્રગતિનો ચિતાર આપતાં ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદીએ ઉમેર્યું કે, ગત માર્ચ મહિનામાં ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના અને બોરીસાવર યોજના સહિત અંદાજિત રૂ. ૧૬૦૦ કરોડના વિકાસકામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. જે જિલ્લાના ખેડૂતોની સમૃદ્ધિને સુનિશ્ચિત કરશે. વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ રૂ. ૮૨૪૬.૧૩ લાખ માતબર ફાળવણીથી છેવાડાના આદિવાસી માનવી સુધી વિકાસ પહોંચ્યો છે.
શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે થયેલી કામગીરી અંગે તેમણે ઉમેર્યુ કે, રાઈટ ટુ એજ્યુકેશન, આયુષ્માન ભારત અને પીએમ-કિસાન યોજનાની સિદ્ધિઓ જણાવવા સાથે તેમણે તાજેતરના ભારે વરસાદ બાદ કલેક્ટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા માનવમૃત્યુ, પશુધન અને ઘરવખરીના નુકસાન સામે કરાયેલી ત્વરિત નાણાકીય સહાયની કામગીરીને બિરદાવી હતી.

ઉજવણીના આ વિશેષ અવસરે વ્યારા તાલુકાના વિકાસકામો માટે ઉપાધ્યક્ષશ્રીના હસ્તે કલેક્ટરશ્રી દેવ ચૌધરીને રૂ. ૨૫ લાખનો ચેક એનાયત કરાયો હતો. ત્યારબાદ ઉપસ્થિત જનમેદનીએ ‘વંદે માતરમ’નું સામુહિક ગાન કર્યું હતું.
વધુમાં વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. સાથે જ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ અને પ્રતિભાઓને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયે સૌ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંચળબેન ચૌધરી, ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ કોંકણી અને મોહનભાઈ ઢોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા સહિત ઉચ્ચ અધિકારીઓ અને દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
○○○
