વરસાદે હાથતાળી આપી જતા માંગરોળ તાલુકાના ખેડૂતોની હાલત કફોડી
સમયસર વરસાદ થતા વાવણી તો કરી પરંતુ બાદ માં વરસાદે હાથતાળી આપી જતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ઝાંખરડા ગામનાં ખેડૂત મકબુલ ભાઈ એ વરસાદ સમયસર અને સારો થતા પોતાના ૧૬ વીંઘાનાં ખેતરમાં સોયાબીનની વાવણી કરી હતી , પરંતુ એક વરસાદ બાદ વરસાદ જાણે ખેડૂતો સાથે વેર વાળતો હોઈ એમ હાથતાળી આપી ગાયબ થઇ ગયો છે જેને લઇ મકબુલ ભાઈની હાલત કફોડી બની છે ,આશરે ૫૦ હજાર જેટલો ૧૬ વીંઘા સોયાબીનની વાવણીમાં ખર્ચ થયો છે ,પરંતુ વરસાદ ગાયબ થઇ જતા સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ મકબુલ ભાઈ ને સતાવી રહી છે ,કારણે વરસાદ નહી આવતા જે બીજ જમીનમાં રોપ્યા છે એમાં પાણીનાં અભાવને કારણે સુકાઈ ગયા છે અને ફૂગ લાગી ગઈ છે ..
વાત માત્ર ઝાખરડા ગામનાં ખેડૂતો ની નથી આખા માંગરોળ તાલુકા માં ૪૦૦૦ હેક્ટર થી વધુ જમીનમાં સોયાબીનનો પાક લેવામાં આવે છે , આકાશી ખેતી પર નભતા આ વિસ્તારનાં ખેડૂતો સોયાબીન નો પાક એટલા માટે બનાવે છે કે વરસાદ પૂરો થતા આ પાક તૈયાર થઇ જાય છે અને ત્યાર બાદ અન્ય પાક લઇ શકે ,પરંતુ વરસાદની હાથતાળીને લઇ આખા તાલુકા માં સોયાબીન પકવતા ખેડૂતોની હાલત કફોડી થઇ છે.