સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા “તાપી નમસ્તુભ્યમ” કાર્યક્રમ અંતર્ગત તાપી માતા પ્રાકટ્ય દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧. આજ રોજ તાપી માતાના પવિત્ર પ્રાકટ્ય દિવસ નિમિત્તે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા “તાપી નમસ્તુભ્યમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના મામલતદારશ્રી હિતેશ દુધાટ તથા તાલુકા સલામતી અધિકારીશ્રી પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમ દરમિયાન કેન્દ્રના અધિકારીઓ, વૈજ્ઞાનિક ડો. રાજેશ વસાવા અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાપી માતાની પૂજા-અર્ચના બાદ તાપી નદીમાં મત્સ્ય બીજ સંચયન (Fish Seed Ranching) કરવામાં આવ્યું, જેનો મુખ્ય હેતુ નદીના કુદરતી મત્સ્ય સંસાધનોનું સંવર્ધન, જૈવવૈવિધ્યનું રક્ષણ અને સ્થાનિક માછીમારોને લાંબા ગાળે ટકાઉ આજીવિકાનો આધાર પૂરો પાડવાનો છે.
સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર દ્વારા “તાપી નમસ્તુભ્યમ” કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે તાપી નદીની સ્વચ્છતા, સંરક્ષણ, જાગૃતિ અભિયાન તેમજ મત્સ્ય બીજ સંચયન જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ પ્રયાસો દ્વારા નદીના પર્યાવરણનું સંરક્ષણ, જળચર જીવસૃષ્ટિનું સંવર્ધન અને સસ્ટેનેબલ ફિશરીઝ (ટકાઉ મત્સ્યઉદ્યોગ)ને પ્રોત્સાહન આપવાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવે છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તાપી નદીના સંરક્ષણમાં સૌના સહભાગિતાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ભાવિ પેઢી માટે સ્વચ્છ, સમૃદ્ધ અને જૈવવૈવિધ્યસભર તાપી નદી જાળવી રાખવા સૌને સંકલ્પબદ્ધ બનવા અપીલ કરી હતી.
○●●
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
