તાપી જિલ્લા નાગરિક પુરવઠા અને તકેદારી સમિતિની બેઠક કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ

(માહિતી બ્યૂરો દ્વારા, તાપી) : તા.૧૮. તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને તકેદારી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) અંતર્ગત ચાલી રહેલી વિવિધ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી તેમજ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લામાં રેશનકાર્ડના e-KYCની કામગીરી, NFSA હેઠળ નવા લાભાર્થીઓના સમાવેશ, જાહેર વિતરણ પ્રણાલીની કામગીરી, તકેદારી સમિતિઓની બેઠક, વાજબી ભાવની દુકાનોના સંચાલન સહિત વિવિધ મુદ્દાઓની તાલુકાવાર સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લાના તમામ લાભાર્થીઓનું e-KYC કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે બાકી રહેલા લાભાર્થીઓનો વ્યક્તિગત સંપર્ક કરી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવી. સાથે જ કોઈપણ પાત્ર લાભાર્થી સરકારી અનાજના લાભથી વંચિત ન રહે તેની ખાસ કાળજી રાખવા સૂચના આપી હતી.
બેઠકમાં છેલ્લા ત્રણ માસ દરમિયાન NFSA હેઠળ નવા લાભાર્થીઓના સમાવેશની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. લાભાર્થીઓને સમયસર અને નિયમિત રીતે અનાજનું વિતરણ થાય તેમજ જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે વાજબી ભાવની દુકાનો પર નિયમિત દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાગર મોવાલિયા સહિત સંબંધિત વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
