તાપી જિલ્લામાં ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇનના સકારાત્મક કાઉન્સેલિંગનો સકારાત્મક પ્રભાવ

ડ્રોપઆઉટ થતી બાળકી ફરી ઉત્સાહભેર શાળાએ જવા લાગી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૬. :- બાળકો દેશનું ભવિષ્ય છે અને શિક્ષણ તેમનો મૂળભૂત અધિકાર છે. તાપી જિલ્લામાં ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ ની ટીમે પોતાની આગવી કોઠાસૂઝ અને સંવેદનશીલ અભિગમથી એક બાળકીને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પરત લાવીને પ્રશંસનીય કાર્ય કર્યું છે.
તાપી જિલ્લાની એક સરકારી શાળામાં ધોરણ-૭ માં અભ્યાસ કરતી બાળકી છેલ્લા ૧૦ થી ૧૫ દિવસથી સતત ગેરહાજર રહેતી હતી. શાળાના શિક્ષકો અને વાલીઓના પ્રયત્નો છતાં બાળકી શાળાએ જવા તૈયાર થતી નહોતી. ઘણીવાર શાળાએ ન જવું પડે તે માટે તે સવારે વહેલા ઘરેથી નીકળી જઈને એકાંતમાં સમય વિતાવતી હતી. આ બાબતની જાણ થતાં જ ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ની ટીમે ત્વરિત એક્શન લીધા હતા.
શરૂઆતમાં ડરના કારણે સંકોચ અનુભવતી બાળકીને ટીમના સભ્યોએ ખૂબ જ પ્રેમ, હૂંફ અને ધીરજપૂર્વક પોતાની સાથે જોડી હતી. બાળકી સાથે તેની મનપસંદ પ્રવૃત્તિઓ, મિત્રો અને રમત-ગમતની વાતો કરીને સૌપ્રથમ તેનો અડગ વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ, બાળકીના મનમાં રહેલા ડર અને મૂંઝવણોને ખૂબ જ સંવેદનશીલતાથી સાંભળવામાં આવી હતી.
ટીમ દ્વારા બાળકી, તેના માતા-પિતા અને શાળાના શિક્ષકો સાથે ત્રિપાંખીયો સંવાદ સાધીને વિગતવાર સકારાત્મક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. બાળકીને વર્ગખંડનું વાતાવરણ વધુ સ્નેહપૂર્ણ મળે અને વાલીઓ તરફથી પ્રોત્સાહન મળે તેવો એક સમન્વય ઊભો કરાયો હતો. આ સ્નેહભર્યા અને અસરકારક કાઉન્સેલિંગનું પરિણામ એ આવ્યું કે, બાળકી બીજા જ દિવસથી તમામ જિદ્દ છોડીને અત્યંત ઉત્સાહ સાથે ફરીથી નિયમિત શાળાએ જવા લાગી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તથા ‘બેક ટુ સ્કુલ’ના અભિગમને સાર્થક કરવા માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. જિલ્લાનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને અગમ્ય કારણોસર શાળા છોડી દીધી હોય તેવા બાળકોને ફરી શાળાના પગથિયા ચડાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
