આંગણવાડીના બાળકોના પોષણ અને આરોગ્યલક્ષી બાબતોની સમીક્ષા બેઠક તાપી જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ

આંગણવાડી કેન્દ્રોમાં ન્યુટ્રિશિયન અને આરોગ્ય સુખાકારી વધારવા રચનાત્મક સૂચનો કરતા કલેકટરશ્રી ચૌધરી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :, તા. ૦૯. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આંગણવાડી કેન્દ્રના બાળકોમાં ન્યુટ્રિશિયન સંબંધી અને આરોગ્યલક્ષી વિવિધ બાબતોની સમીક્ષા બેઠક યોજીને બાળકોના શિક્ષણની સાથે પોષણ અને આરોગ્ય માટે સામુહિક જવાબદારીઓ સુનિશ્ચિત કરી હતી.
કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આઈ.સી.ડી.એસ. વિભાગ હેઠળ ૩ થી ૬ વર્ષના બાળકોના ગરમ નાસ્તા અને પોષણ સુધા યોજના અંતર્ગત માતાઓના પોષણસ્તરમાં સુધારો કરવા માટે પૌષ્ટિક વસ્તુઓ ઉમેરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ઉપરાંત, તમામ લાભાર્થી બાળકોના વજન-ઊંચાઈનું આરોગ્ય અને ICDS સ્ટાફ દ્વારા સંયુક્ત ક્રોસ વેરિફિકેશન કરવા, બાળકોનું મેડિકલ સ્ક્રિનિંગ કરવા તેમજ આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનોની સંયુક્ત મીટિંગ યોજી આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના અપાઈ હતી.
નોંધનીય છે કે, કલેક્ટરશ્રી ચૌધરીએ બાળકોના પોષણ સ્તરમાં સુધારો કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સાથે મુક્તમને સંવાદ સાધીને તેમના પ્રતિભાવો જાણ્યા હતા. ઉપરાંત, વિષય નિષ્ણાંતોના હેલ્થ ટુટોરિયલ્સના માધ્યમથી બાળકોને અલગથી કેવી રીતે પોષકતત્વો પુરા પાડી શકાય તે અંગે માર્ગદર્શિત કર્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાએ આંગણવાડી સ્તરે આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. વિભાગના પરસ્પર સંકલન પર ભાર મૂક્યો હતો. તેમણે બાળકોના નિયમિત વજન, ઊંચાઈની ચકાસણી અને ગ્રોથ ચાર્ટના મોનિટરિંગ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી તન્વી પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર્સશ્રીઓ સહિત વિભાગના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
