ચોમાસામાં સંતુલિત આહાર માટે શ્રી અન્ન અને પ્રાકૃતિક ખાદ્ય પદાર્થો શ્રેષ્ઠ વિકલ્પ

રાગી, લાલ ચોખા, દેશી મગ સહિતના પૌષ્ટિક ખાદ્ય પદાર્થો લોકો સુધી પહોંચાડવામાં તાપીની સખીમંડળોની મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૬. :- વરસાદની મોસમ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે અને ગરમાગરમ ભજીયા તથા ચાની સાથે સ્વાસ્થ્યપ્રદ, પ્રાકૃતિક અને પરંપરાગત શ્રી અન્ન (મિલેટ્સ) આધારિત ખોરાક પ્રત્યે લોકોનું આકર્ષણ વધે છે. જોકે, આ ઋતુમાં ભેજ, બદલાતું હવામાન અને પાચનતંત્ર પર પડતી અસરને કારણે ખાણી-પીણીમાં સાવચેતી રાખવી જરૂરી બની જાય છે. તેથી ચોમાસામાં હળવો, પૌષ્ટિક અને પ્રાકૃતિક આહાર શરીર માટે વધુ લાભદાયી માનવામાં આવે છે.
તાજેતરના સમયમાં સ્વસ્થ જીવનશૈલી અને પોષણયુક્ત આહાર પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી રહી છે. તેના પરિણામે શ્રી અન્ન (મિલેટ્સ) અને પ્રાકૃતિક રીતે તૈયાર થતા ખાદ્ય પદાર્થોની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાગી, જુવાર સહિતના શ્રી અન્નમાંથી તૈયાર થતા ઉત્પાદનો શરીરને જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડવાની સાથે ચોમાસામાં સંતુલિત આહાર માટે ઉત્તમ વિકલ્પ બની રહ્યા છે.
આવા પૌષ્ટિક ખાદ્ય પદાર્થોને લોકો સુધી પહોંચાડવામાં તાપી જિલ્લાના સખીમંડળોની મહિલાઓ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તાજેતરમાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત વ્યારા ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન અને પીએમ કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી દરમિયાન આવા અનેક ઉત્પાદનોને સારો પ્રતિસાદ મળ્યો હતો.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામના નવજીવન સખીમંડળના ઉષાબેન ગામીતના સ્ટોલ પર રાગીનો લોટ, રાગીના ભુંગળા, બિસ્કિટ, વેફર્સ, પાપડ, લાલ ચોખા, દેશી મગ, વાલ, ચણા, સૂકા મરચાં અને દેશી લસણની ચટણી સહિત અનેક પૌષ્ટિક અને પ્રાકૃતિક ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
ચોમાસાની ઋતુમાં સંતુલિત અને સ્વાસ્થ્યપ્રદ આહારના ભાગરૂપે આવા ઉત્પાદનો લાભદાયી માનવામાં આવે છે. રાગીમાં કેલ્શિયમ, આયર્ન અને ફાઈબર જેવા પોષક તત્ત્વો ભરપૂર પ્રમાણમાં હોવાથી તે શરીરને જરૂરી પોષણ પૂરું પાડવાની સાથે પાચનતંત્રને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ બને છે. ભારે અને વધુ તેલયુક્ત ખોરાકને બદલે રાગી જેવા શ્રી અન્નમાંથી તૈયાર થયેલા હળવા નાસ્તા વધુ સારો વિકલ્પ બની શકે છે.
તાપી જિલ્લાના ટોકરવા ગામના નવજીવન સખીમંડળ સાથે સંકળાયેલા મહિલા ઉદ્યોગસાહસિક ઉષાબેન ગામીત વર્ષ ૨૦૧૯થી રાગી આધારિત અને અન્ય પ્રાકૃતિક ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા છે. સરકાર દ્વારા વિવિધ પ્રદર્શનોમાં સ્ટોલ ફાળવાતા તેમના ઉત્પાદનોને વ્યાપક ઓળખ મળી છે, જ્યારે રાગીમાંથી તૈયાર થતી ચીજવસ્તુઓની વધતી માંગે તેમની આવકમાં પણ વધારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન’ હેઠળ નિયમિત યોગ, સંતુલિત જીવનશૈલી અને પોષણયુક્ત આહાર અંગે વ્યાપક જનજાગૃતિ લાવવામાં આવી રહી છે. શ્રી અન્ન (મિલેટ્સ) જેવા પોષણસભર ખાદ્ય પદાર્થોને દૈનિક આહારમાં સ્થાન આપવું આ અભિયાનના ઉદ્દેશોને પણ બળ આપે છે.
આલેખન – રોશન સાવંત
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
