સોનગઢ ખાતે તાપી પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણેએ ૭૬ વિદ્યાર્થીઓનો ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 25. :- ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ના ત્રીજા અને અંતિમ દિવસે તાપી જિલ્લાના પ્રભારી તથા શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સચિવશ્રી મિલિંદ તોરવણે સોનગઢ તાલુકાની વિવિધ શાળાઓમાં યોજાયેલા શૈક્ષણિક મહાપર્વમાં સહભાગી થયા હતા.
આ અવસરે પ્રાથમિક શાળા ખડકા ચીખલી, સરકારી માધ્યમિક શાળા ગાળકુવા તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મોંઘવણ ખાતે યોજાયેલા પ્રવેશોત્સવ કાર્યક્રમોમાં સચિવશ્રીએ હાજરી આપી કુલ ૭૬ નવપ્રવેશી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે નાનકડા ભૂલકાંઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી તેમજ પરંપરાગત રીતે મોં મીઠું કરાવી તેમના શૈક્ષણિક જીવનની નવી શરૂઆતને યાદગાર બનાવવામાં આવી હતી.
પ્રભારી સચિવશ્રીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓ સાથે સીધો સંવાદ સાધી શાળાઓની સુવિધાઓ, શિક્ષણની ગુણવત્તા અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે સમીક્ષા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને નિયમિતતા, શિસ્ત અને જીવનમૂલ્યોના સંવર્ધન માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ તથા ટ્રાફિક નિયમન અંગે સામૂહિક શપથ લેવડાવી પર્યાવરણ સંરક્ષણ અને ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે એસ.એમ.સી. સભ્યો તથા શાળા સંચાલક મંડળ સાથે બેઠક યોજી સંબંધિત મુદ્દાઓ પર માર્ગદર્શન આપીને શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટે મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણ વિભાગનો સ્ટાફ, આંગણવાડી કાર્યકરો, આચાર્યશ્રીઓ, શિક્ષકો, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
