હકની લડાઈ : ૨૦૧૦ પહેલાનાં શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા અર્થે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા માંડવી ખાતે ધરણાં કાર્યક્રમ યોજાયો

માંડવી પ્રાંત કચેરી ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૪. ૨૦૧૦ પહેલાનાં શિક્ષકોને અન્યાયી ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરવી એવાં આદેશને પગલે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં આદેશ અનુસાર ૨૦૧૦ પહેલા ભરતી થયેલ પ્રાથમિક શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા માટે માંડવી ટાઉન સ્થિત શિક્ષક સહકારી ભવન ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. ધરણાં કાર્યક્રમ બાદ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો દ્વારા માંડવી પ્રાંત કચેરી ખાતે જઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સદર ધરણાં કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ, જિલ્લા સંઘનાં મહામંત્રી અરવિંદ ચૌધરી, સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા દરેક તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મંત્રીઓ તેમજ હોદ્દેદારો જોડાયા હતાં. આ તકે કિરીટભાઈ પટેલે ટેટ પરીક્ષામાંથી મુક્તિ સંદર્ભે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક દ્વારા યોજવામાં આવનાર વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમનો ચિતાર રજૂ કર્યો હતો. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
