માનવતાની મહેક : તાપી ‘સખી’ વન સ્ટોપ સેન્ટરે બિહારની યુવતીનું પરિવાર સાથે કરાવ્યું ભાવુક મિલન

0
માનવતાની મહેક : તાપી 'સખી' વન સ્ટોપ સેન્ટરે બિહારની યુવતીનું પરિવાર સાથે કરાવ્યું ભાવુક મિલન
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૪. :- રેલ્વે સ્ટેશન પરથી અચાનક પરિવારથી વિખૂટી પડી ગયેલી અને જેના થોડા જ દિવસોમાં લગ્ન થવાના હતા તેવી બિહારની એક યુવતી માટે તાપી જિલ્લાનું ‘સખી’ વન સ્ટોપ સેન્ટર દેવદૂત સાબિત થયું છે. સેન્ટરની ટીમની ત્વરિત કામગીરી અને હૂંફભર્યા વ્યવહારને કારણે યુવતી સલામત રીતે તેના પરિવારને પુનઃ મળી શકી છે.

 

બિહારની વતની આ યુવતીના આગામી ૧ જુલાઈના રોજ લગ્ન થવાના હતા. તેના મોટાભાઈ વાપી ખાતે રહેતા હોવાથી, લગ્ન પ્રસંગે તેમને મળવા માટે યુવતી તેના માતા-પિતા અને નાનાભાઈ અમિત સાથે વાપી આવી હતી. ત્યાંથી તેઓ બાંદ્રા-પટના ટ્રેન પકડીને પોતાના વતન જઈ રહ્યા હતા.

 

રાત્રિના આશરે ૨:૦૦ વાગ્યાની આસપાસ ટ્રેન તાપી જિલ્લાના વ્યારા રેલ્વે સ્ટેશન ખાતે થોભી હતી. યુવતીને તરસ લાગી હોવાથી તે પાણીની બોટલ લેવા ટ્રેનમાંથી નીચે ઉતરી હતી. પરંતુ, જોતજોતામાં ટ્રેન ઉપડી ગઈ અને રાતના અંધકારમાં યુવતી રેલ્વે સ્ટેશન પર જ એકલી અટૂલી રહી ગઈ.

 

અડધી રાત્રે અજાણ્યા સ્ટેશન પર પરિવારથી વિખૂટી પડેલી યુવતી ગભરાઈ ગઈ હતી. આ દરમિયાન વ્યારા રેલ્વે પોલીસની નજર તેના પર પડતાં તેમણે તાત્કાલિક સ્થિતિ સમજીને ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. હેલ્પલાઇનની ટીમે પ્રાથમિક પૂછપરછ કરી યુવતી બિહારની હોવાનું જાણી તેને સુરક્ષિત આશ્રય આપવા માટે ‘સખી’ વન સ્ટોપ સેન્ટર, તાપી ખાતે મોકલી આપી હતી.

 

સખી વન સ્ટોપ સેન્ટર ખાતે યુવતીનું આત્મીયતાપૂર્વક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. તેણે પોતાનું મૂળ વતન કૈથિયા (ડાંગરી, જિલ્લો-કૈમુર, ભબુવા, રાજ્ય-બિહાર) હોવાનું જણાવ્યું. કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર દ્વારા આ અંગે તાત્કાલિક જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલને માહિતગાર કરાયા હતા.

 

સખી સેન્ટરના કર્મચારીઓએ યુવતીને બહેન અને દીકરી જેવો પ્રેમ તથા સાંત્વના આપ્યા, જેનાથી ભાવુક થઈને યુવતીએ પોતાના પિતાનો મોબાઈલ નંબર ટીમ સાથે શેર કર્યો હતો. નંબર મળતા જ સખી સેન્ટરની ટીમે સીધો પિતા સાથે સંપર્ક સાધ્યો. બહેન વ્યારા ખાતે સુરક્ષિત હોવાની જાણ થતાં જ વાપી રહેતા તેના મોટાભાઈ તાત્કાલિક બહેનને લેવા માટે વ્યારા દોડી આવ્યા હતા. પોતાની વ્હાલસોઈ દીકરીને હેમખેમ પાછી મેળવીને પરિવારની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી.

 

આ સમગ્ર સફળ કામગીરી ભારત સરકાર પુરસ્કૃત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, તાપી સંચાલિત ‘સખી’ વન સ્ટોપ સેન્ટરના અધિકારીશ્રી સુલોચનાબેન પટેલ તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ધર્મેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. યુવતીના પરિવારે સખી વન સ્ટોપ સેન્ટર અને તાપી પ્રશાસનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *