ઈ.ચા. કલેકટર અને ડી.ડી.ઓ.શ્રી રામનિવાસ બુગાલિયાએ વાઘઝરી ગામે વૃક્ષારોપણ કરી વિવિધ વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરી

વાઘઝરી-મદાવ-ખાનપુર ગામની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓ, આંગણવાડીની કામગીરી સહિત સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે આપ્યું માર્ગદર્શન
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૫ : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાના ઇન્ચાર્જ કલેકટર જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાએ વ્યારા તાલુકાની વાઘઝરી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું હતું તેમજ ગામમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા, ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન સહિતની કામગીરી અંગે માહિતી મેળવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં હરિયાળી વધારવા અને પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવા માટે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગ્રામજનો સાથે સંવાદ સાધી પર્યાવરણ જાળવણી, સ્વચ્છતા અને જનભાગીદારીના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હરિયાળું અને સ્વચ્છ ગામ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ લોકોના આરોગ્ય અને જીવનની ગુણવત્તા સુધારવા માટે પણ આવશ્યક છે.
આ ઉપરાંત તેમણે ડી.આર.ડી.એ. હસ્તકની વિવિધ આવાસ યોજનાઓના લાભાર્થીઓની મુલાકાત લઈ યોજનાઓના અમલીકરણ અંગે માહિતી મેળવી હતી. સાથે જ વાઘઝરી, ખાનપુર અને મદાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. તેમણે દર્દીઓને મળતી સુવિધાઓ, દવાઓની ઉપલબ્ધતા તથા આરોગ્ય કેન્દ્રોની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિવિધ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈને બાળકોના પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને માતા-બાળ આરોગ્ય સંબંધિત સેવાઓની પણ સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે વાઘઝરી,મદાવ,ખાનપૂર ગામના સરપંચશ્રી, તલાટી-કમ-મંત્રીશ્રી,આરોગ્ય અને આંગણવાડીના વિભાગના કર્મચારીઓ, જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
