વરસાદ પહેલાં ચેતવણી, મુશ્કેલી પહેલાં તૈયારી : સરકારની ત્રણ એપ બની શકે જીવનરક્ષક

વરસાદ, વીજળી, ચક્રવાત અને અન્ય કુદરતી આપત્તિઓ અંગે સમયસર માહિતી મેળવવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેલ, તાપીની અપીલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારે) : તા. ૦૫ :. ચોમાસાની શરૂઆત સાથે જિલ્લામાં વરસાદ, વીજળી, તોફાની પવન, ચક્રવાત તથા અન્ય કુદરતી આપત્તિઓની સંભાવના વધી રહી છે. આવી પરિસ્થિતિમાં નાગરિકોને હવામાન અને આપત્તિ અંગેની આગોતરી ચેતવણીઓ સમયસર મળી રહે તે માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેલ, કલેક્ટર કચેરી તાપીએ ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલી ‘સચેત (SACHET)’, ‘મૌસમ (MAUSAM)’ અને ‘દામિની (DAMINI)’ મોબાઇલ એપ્લિકેશનો ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
આધુનિક ટેક્નોલોજીના યુગમાં મોબાઇલ ફોન માત્ર સંચારનું સાધન જ નહીં, પરંતુ આપત્તિ પૂર્વે ચેતવણી આપતું અસરકારક માધ્યમ પણ બની શકે છે. કેન્દ્ર સરકારની આ ત્રણેય એપ્લિકેશનો નાગરિકોને તેમના વિસ્તારની હવામાન સ્થિતિ અંગે રિયલ-ટાઈમ માહિતી અને આગોતરી ચેતવણી પૂરી પાડે છે, જેના આધારે યોગ્ય સાવચેતીના પગલાં લઈ શકાય છે.
‘સચેત’ એપ્લિકેશન દ્વારા ભારે વરસાદ, વાવાઝોડું, ચક્રવાત સહિત વિવિધ કુદરતી આપત્તિઓ અંગે સ્થળ આધારિત ચેતવણીઓ મેળવી શકાય છે. ‘મૌસમ’ એપ્લિકેશન આગામી દિવસોની હવામાન આગાહી, તાપમાન, પવનની ગતિ અને વરસાદની સંભાવના અંગે અધિકૃત માહિતી પૂરી પાડે છે. જ્યારે ‘દામિની’ એપ્લિકેશન વીજળી પડવાની સંભાવના અંગે રિયલ-ટાઈમ એલર્ટ અને આગામી કલાકોની આગાહી આપીને નાગરિકોને સાવચેત રહેવામાં મદદરૂપ બને છે.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેલે જણાવ્યું છે કે કુદરતી આપત્તિઓને અટકાવી શકાતી નથી, પરંતુ સમયસર મળતી ચેતવણીઓના આધારે સાવચેતી રાખી જાનમાલના નુકસાનને ઘણાં અંશે ઘટાડી શકાય છે. ખાસ કરીને ખેડૂતો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, વાહનચાલકો તથા ખુલ્લા વિસ્તારમાં કામ કરતા શ્રમિકો માટે આ એપ્લિકેશનો અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.
કોઈપણ આપત્તિ, ભારે વરસાદ, પૂર, વીજળી અથવા અન્ય તાત્કાલિક પરિસ્થિતિમાં નાગરિકો જિલ્લા કંટ્રોલ રૂમના ૨૪x૭ કાર્યરત ફોન નંબર ૦૨૬૨૬-૨૨૩૩૩૨ પર સંપર્ક કરી શકે છે.
સમયસર મળતી ચેતવણી અનેક વખત જાનહાનિ અને આર્થિક નુકસાન અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી જિલ્લાના તમામ નાગરિકોએ ‘સચેત’, ‘મૌસમ’ અને ‘દામિની’ એપ્લિકેશનોનો ઉપયોગ કરી સુરક્ષિત અને સજ્જ ચોમાસા માટે તૈયાર રહેવું જોઈએ, તેમ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેલ, તાપીએ અનુરોધ કર્યો છે.
0000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
