રેડ જંગલ ફોઉલ બ્રિડિંગ સેન્ટર બન્યું વન વિભાગના વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ

0
સોનગઢના સાદડવેલ રેન્જ ખાતે યોગ્ય આહાર-કાળજીથી જંગલી મરઘીઓની સંખ્યા ૨૫ થી વધીને ૭૦ થઈ
Contact News Publisher

સોનગઢના સાદડવેલ રેન્જ ખાતે યોગ્ય આહાર-કાળજીથી જંગલી મરઘીઓની સંખ્યા ૨૫ થી વધીને ૭૦ થઈ

આહાર શૃંખલા મજબૂત થતાં માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટશે અને સ્થાનિક ગ્રામજનોની સુરક્ષા વધશે

—  

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 04. :- જંગલનો એક અલિખિત નિયમ છે, ‘જીવો અને જીવવા દો’… પણ જ્યારે આ આહાર શૃંખલા તથા ઇકોસિસ્ટમ ખોરવાય છે, ત્યારે વન્યજીવો અને મનુષ્યો વચ્ચે ઘર્ષણ ઉભુ થાય છે. એવામાં તાપી વન વિભાગ દ્વારા જંગલની તૂટેલી આહાર સાંકળને સાંધવા માટે એક અદભૂત પહેલ હાથ ધરવામાં આવી છે.

 

વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત@૨૦૪૭ ના મહત્વાકાંક્ષી વિઝનને સાકાર કરવા માટે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ એ એક અનિવાર્ય સ્તંભ છે. જેમાં સક્રિયપણે સહભાગી બનતાં, ગુજરાત રાજ્યની સાથે તાપી જિલ્લાએ પણ છેલ્લા ૧૨ વર્ષોમાં અવિરત વિકાસની સાથે પ્રકૃતિ અને પર્યાવરણના સંતુલનને પણ એટલું જ સાતત્યપૂર્ણ મહત્વ આપ્યું છે.

 

આ કડીમાં, વ્યારા વન વિભાગ દ્વારા એક પ્રશંસનીય અને નવતર પહેલ કરવામાં આવી છે. આ અભિયાન માત્ર વૃક્ષારોપણ કે હરિયાળીના સંદેશ પૂરતું સીમિત ન રહેતા, તાપી વન વિભાગે સાડદવેલ રેન્જ ખાતે ‘જંગલી મરઘી બ્રિડિંગ સેન્ટર’ કાર્યરત કરીને જૈવવિવિધતાના સંરક્ષણ તરફ એક મક્કમ અને દૂરંદેશી પગલું ભર્યું છે.

આ અંગે વિગતો આપતાં વ્યારાના નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તાએ જણાવ્યું કે, સોનગઢ તાલુકાના ગુડી રૂવાડી ગામમાં સાદડવેલ રેન્જ હેઠળ ‘રેડ જંગલ ફોઉલ બ્રિડીંગ સેન્ટર, ઘુંટવેલ’નું નિર્માણ કરાયું છે. નવેમ્બર-૨૦૨૫ માં શરૂ કરાયેલા આ બ્રિડિંગ સેન્ટરમાં જંગલી મરઘીઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સંવર્ધન કરવામાં આવી રહ્યું છે.

 

તેમણે ઉમેર્યુ કે, આ સંવર્ધન કાર્યક્રમ હેઠળ તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યા બાદ, પુખ્ત વયની મરઘીઓને તબક્કાવાર રીતે જિલ્લાના યોગ્ય વનવિસ્તારોમાં મુક્ત કરવાનું સુદ્રઢ આયોજન છે, જેથી દીપડા સહિતના અન્ય માંસાહારી વન્ય પ્રાણીઓને કુદરતી ખોરાક મળી રહે. આ અનોખી પહેલનો મુખ્ય હેતુ જંગલની આહાર શૃંખલા અને કુદરતી પર્યાવરણીય સંતુલનને વધુ મજબૂત બનાવવાનો તેમજ વન્યજીવો માટે વનક્ષેત્રમાં જ ખોરાકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે.

સોનગઢના સાદડવેલ રેન્જ ખાતે યોગ્ય આહાર-કાળજીથી જંગલી મરઘીઓની સંખ્યા ૨૫ થી વધીને ૭૦ થઈ

વન વિભાગનો આ પ્લાન માત્ર પાંજરામાં મરઘાઓ ઉછેરવા પૂરતો સીમિત નથી, પણ તેની પાછળ એક બહુ મોટું વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ છે. જંગલી મરઘી એ જંગલની આહાર કે ખાદ્ય સાંકળની અત્યંત મહત્વપૂર્ણ કડી છે.

 

આ કેન્દ્ર ખાતે તેમના સફળ સંવર્ધનથી દીપડા સહિતના સર્વાહારી તથા માંસાહારી વન્યજીવો માટે કુદરતી ખોરાકના સ્ત્રોતમાં મોટો વધારો થશે. ખોરાકની આ અછત વનવિસ્તારમાં જ પૂરી થવાના પરિણામે, વન્યજીવો ખોરાકની શોધમાં માનવ વસાહતો કે ગ્રામ્ય વિસ્તારો તરફ આવતા અટકશે. આમ, આ નવતર પ્રયોગ ભવિષ્યમાં માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવામાં અને સ્થાનિક ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ખૂબ જ ગતિશીલ અને મહત્વપૂર્ણ સાબિત થશે.

 

આ બ્રિડીંગ સેન્ટરી આંકડાકિય વિગતોની વાત કરીએ તો, શરૂઆતમાં ૧૦ નર અને ૧૫ માદા એમ કુલ ૨૫ રેડ ફોઉલ (જંગલી મરઘીઓ) કેન્દ્ર ખાતે લાવીને તેમને નિયમિત ખોરાક, કાળજી અને રસીકરણ દ્વારા તેમનો ઉછેર કરવામાં આવ્યો છે.

 

વધુમાં, ઇંડાને સુરક્ષિત રાખવા માટે જરૂરી ચોક્કસ તાપમાન અને ભેજનું પ્રમાણ સતત જાળવી રાખવામાં આવે છે. કેન્દ્ર ખાતે સ્વચ્છતા અને જાળવણી પર વિશેષ ભાર મૂકવામાં આવતા ટૂંકા ગાળામાં આ મરઘા-મરઘીઓની સંખ્યા અંદાજિત ૨૫થી વધીને ૭૦ જેટલી થઈ ગઈ છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, નાયબ વન સંરક્ષકશ્રીના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ.શ્રી પ્રસાદ પાટીલ, વન રક્ષકશ્રી કોમલબેન સારદિયા અને તેમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ નવતર પહેલને સફળ અને પરિણામલક્ષી બનાવવા માટે પ્રશંસનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આલેખન અને રજૂઆત – સંગીતા ચૌધરી

કાર્યપ્રદાન અને સંકલન – રોશન સાવંત

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *