નાગલી, બાજરી અને કોદરી જેવા પોષણયુક્ત મિલેટ્સ સગર્ભા માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ
‘માતૃશક્તિ, બાળશક્તિ અને પૂર્ણાશક્તિ’ યોજનાઓ દ્વારા છેવાડાના વિસ્તારોમાં સુપોષણ જાળવી રાખવાનો ICDS નો અવિરત પ્રયાસ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯ :- તાપી જિલ્લામાં ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત ઉંચામાળા પ્રાથમિક શાળા ખાતે મંગળવારે આઈસીડીએસ વિભાગના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરશ્રી તન્વી પટેલના નેતૃત્વ હેઠળ વિશેષ પ્રદર્શની સ્ટોલ્સનું આયોજન કરાયું હતું. સરકારી યોજનાઓ તેમજ પોષણના મહત્વને સમજાવવાના આશય સાથે યોજાયેલા આ માહિતીલક્ષી સ્ટોલ્સનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રચાર માધ્યમો દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો સકારાત્મક સંદેશ પહોંચાડવાનો હતો.
આ વિશેષ પ્રચાર ઝુંબેશ અંતર્ગત પ્રચાર માધ્યમો સાથેના સંવાદમાં આઈસીડીએસ વિભાગના પ્રતિનિધિશ્રી સ્નેહા ચૌધરીએ જણાવ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારની મહિલાઓ અને બાળકો કુપોષણમુક્ત બને તે માટે સરકાર કટિબદ્ધ છે. આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવતા પૂરક પોષક આહાર જેવા કે સગર્ભા-ધાત્રી માતાઓ માટે ‘માતૃશક્તિ’, બાળકો માટે ‘બાળશક્તિ’ અને કિશોરીઓ માટે ‘પૂર્ણાશક્તિ’ – ટેક હોમ રાશન (THR) ની પોષણ ક્ષમતા અને તેનો નિયમિત વપરાશ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ ઉપરાંત, આજના આધુનિક યુગમાં વિસરાતા જતા પરંપરાગત મિલેટ્સ (જાડા ધાન્ય) ના મહત્વ પર ભાર મૂકતા સુશ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, સગર્ભા-ધાત્રી માતાઓ અને બાળકોના શારીરિક વિકાસ માટે નાગલી, જુવાર, બાજરી અને કોદરી જેવા ધાન્યો દૈનિક આહારમાં ખૂબ જ જરૂરી છે. આ જાડા ધાન્યમાં રહેલા કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીન જેવા તત્વો લોહીની ઉણપ (એનિમિયા) દૂર કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આશીર્વાદરૂપ સાબિત થાય છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
