સાગબારાના સેલંબા ગામે ૧૧ વર્ષના બાળક પાસે ઘરકામ કરાવતા ઇસમ સામે બાળ કલ્યાણ સમિતી –તાપી અને સોનગઢ પોલીસ દ્વારા જે.જે. એક્ટ મુજબ કાર્યવાહી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સાગબારા તાલુકાના સેલંબા ગામે રહેતા સુનિલભાઇ હરિશભાઇ વાધ ઉર્ફ બહાદુર મહારાષ્ટ્ર રાજ્યના નાસીક જીલ્લાના ઘોટી ગામના ૧૧ વર્ષીય બાળકને છેલ્લા ત્રણ વર્ષેથી સેલંબા ખાતે કોઇને પણ જાણ કર્યા વગર પોતાના ઘરે રાખી ઘરકામ તથા મેળામાં મજુરી કામ કરાવી બાળ મજુરી કરાવતો હતો તે કામ ન કરે તો માર મારતો હતો. તા.૩૧/૦૫/૨૦૨૦ ના રોજ બાળક સેલંબા ગામથી ભાગીને બોરદા પહોંચેલ હતો. તે દરમિયાન સોનગઢ પો.સ્ટેશન દ્વારા બાળકને બાળ કલ્યાણ સમિતી તાપીના અધ્યક્ષશ્રી બિપિનભાઇ ચૌધરી, સભ્યશ્રી યાકુબભાઇ ગામિત, વિરજીભાઇ ગામિત સમક્ષ રજુ કરવામાં આવેલ હતો. બાળકે સમિતી સમક્ષ માર –મારવાની અને મજુરી કામ કરવાની આપવિતી જણાવતા બાળ કલ્યાણ સમિતી-તાપી, અને સોનગઢ પો.સ્ટેશન દ્વારા 0 નંબરથી ફરિયાદ દાખલ કરવા આવેલ છે. બાળ કલ્યાણ સમિતી-તાપીના આદેશથી જિલ્લા બાળ સુરક્ષા એકમ –તાપી દ્વારા પોલિસ અધિક્ષકની કચેરીના સહયોગથી પોલિસ એસ્કોર્ટ સાથે બાળકને જેજે એકટ -૨૦૧૫ મુજબ નાસીક જિલ્લાના મનમાળ ચિલ્ડ્રન હોમમાં પુન:સ્થાપન કરવાની કામગિરી કરવામા આવેલ છે. બાળ ક્લ્યાણ સમિતી-તાપી, અને સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.