માંગરોળમાં પુરવઠા વિભાગનું સર્વર વારંવાર ખોટકાતા સરકારી અનાજ લેવા આવતા લોકો પરેશાન : ટેકનિકલ ખામી ન સુધરતા અનાજ વિતરણ બંધ
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : માંગરોળ તાલુકામાં સરકારી સસ્તા અનાજની દુકાનોમાં છેલ્લા બે દિવસથી પુરવઠા વિભાગનુ સર્વર ટેકનિકલ ખામીના કારણે ખોટકાતા સરકારી અનાજ લેવા આવતા લોકો પરેશાન થઇ રહ્યા છે, ટેકનિકલ ખામીમાં કોઈ સુધારો ન થતા સરકારી સસ્તા અનાજની દુકાન ઉપર અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારીના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને મફત અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી ગરીબ જરૂરિયાતમંદ લોકો સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા માટે આવી રહ્યા છે. પરંતુ ટેકનીકલ ખામીને કારણે કુપન નીકળતી નથી સવારથી જ લોકો સસ્તા અનાજની દુકાનો ઉપર લાંબી લાંબી લાઇનો લગાવી રહ્યા છે કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા પછી ટેકનિકલ ખામી ના કારણે લોકો અનાજ થી વંચિત રહ્યા છે તેમજ કેટલીક વખત દુકાનના સંચાલકો સાથે અનાજ લેવા આવેલા લોકો સમયસર ન મળતા ઘર્ષણ કરી રહ્યા છે. સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા સર્વર ખોટકાતા આ બાબતે પુરવઠા વિભાગ ના જવાબદાર અધિકારીઓને પણ વારંવાર જાણ કરવામાં આવી છે પરંતુ ટેકનિકલ ખામી સંદર્ભમાં કોઈ સુધારો ન થતાં આખરે સરકારી સસ્તા અનાજની દુકાનો ઉપર અનાજનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે બીજી તરફ દસ દિવસમાં જ આ અનાજ વિતરણ કરી દેવાની પણ સરકારી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે જેમાં છેલ્લા બે દિવસ લોકો સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા આવ્યા પછી અનાજ મળ્યું નથી અને ધરમ ધક્કા ખાય લોકો ઘરે પરત ગયા છે.