નિરાધાર વૃદ્ધ માતા અને દીકરી માટે આશાનો કિરણ બન્યું 181 અભયમ
181
વૃદ્ધ માતા અને દીકરીને 181 અભયમ ટીમે સુરક્ષિત આશ્રય અપાવ્યો
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : સુરત શહેરના ચોર્યાસી તાલુકાના વક્તાણા ગામમાંથી ગામના સરપંચ તરીકે એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ હેલ્પલાઇન પર કોલ કરીને જાણ કરવામાં આવી હતી કે ગામમાં એક વૃદ્ધ માતા અને તેમની દીકરીની માનસિક સ્થિતિ સારી નથી અને તેમને તાત્કાલિક મદદની જરૂર છે.
માહિતી મળતા જ 181 અભયમ ટીમ તરત જ ઘટનાસ્થળે ઉમરા, સુરત વિસ્તારમાં પહોંચી હતી. ટીમે જાગૃત નાગરિક સાથે વાતચીત કરીને દર્શાવેલ સરનામે પહોંચીને આશરે 70 વર્ષીય વૃદ્ધ મહિલાને મળી હતી. શરૂઆતમાં મહિલાએ કોઈ જવાબ આપ્યો નહોતો, પરંતુ ટીમે પ્રેમભાવ અને સહાનુભૂતિપૂર્વક વાતચીત કરીને તેમને આશ્વાસન આપ્યું કે તેઓ તેમની મદદ માટે આવ્યા છે.
ત્યારબાદ મહિલાએ પોતાના ઉચ્ચારો દ્વારા જીવનના દુઃખ, નિરાશા અને એકલતાભર્યા જીવન વિશે જણાવ્યું. તેમની આંખોમાં આંસુ સાથે તેમણે પોતાના સંતાનો સાથે રહેવાની આશા અને લાગણી વ્યક્ત કરી હતી.
મહિલાની આશરે 30 વર્ષીય દીકરી તેમની સંભાળ રાખતી હતી, પરંતુ દીકરીની માનસિક સ્થિતિ બગડતા તે અસ્વસ્થ હતી અને માતાની યોગ્ય સંભાળ રાખવામાં અસમર્થ બની હતી.
માતા અને દીકરીની સુરક્ષા, પ્રેમભર્યું વાતાવરણ તથા તબીબી સુવિધાને ધ્યાનમાં રાખીને 181 અભયમ ટીમે ડિંડોલી સ્થિત ઓલ્ડ એજ હોમ સાથે સંકલન કર્યું. સંબંધિત સંસ્થાના સહયોગથી બંનેને સુરક્ષિત આશ્રય, જરૂરી તબીબી સુવિધા અને સંભાળ સાથે ઓલ્ડ એજ હોમમાં સુરક્ષિત રીતે આશ્રય અપાવવામાં આવ્યો.
181 અભયમ ટીમની આ સંવેદનશીલ અને સમયસરની કામગીરીથી વૃદ્ધ માતા અને દીકરીને સુરક્ષા તથા સહારો મળી રહ્યો છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
