જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાપીને બોલેરો વાહનની ફાળવણી : અંતરિયાળ વિસ્તારોમાં કાનૂની સેવાઓને મળશે ગતિ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જનહિત અને ન્યાય સુધી સર્વસામાન્ય નાગરિકોની સહેલાઈથી પહોંચ સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાપી મુ.વ્યારા દ્વારા વિવિધ રચનાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અંતરિયાળ, દુરસ્ત અને પછાત વિસ્તારોમાં રહેતા લોકો સુધી કાનૂની સેવાઓ પહોંચે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવે છે.
આ જ દિશામાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાપી મુ.વ્યારા ને એક બોલેરો કાર (Multi Utility Vehicle) ફાળવવામાં આવી છે, જે કાનૂની સેવાઓના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ સાધન સાબિત થશે.

આ મલ્ટી યુટિલિટી વાહનના ઉપયોગથી તાપી જીલ્લાનાં ગામે-ગામે જઈને કાનૂની જાગૃતિ શિબિરો, લીગલ એઇડ કેમ્પ, લોક અદાલત અંગે માર્ગદર્શન તેમજ મફત કાનૂની સહાય વિષયક માહિતી વધુ વ્યાપક રીતે પહોંચાડવામાં આવશે. આ સાથે જ ગરીબ, પછાત, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને તેમના હકો અંગે જાગૃત કરવામાં પણ સહાય મળશે.
વાહન દ્વારા તાપી જીલ્લાનાં “લીગલ ક્લિનિક” મુલાકાતો, શાળાઓ અને કોલેજોમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમો, મહિલા સશક્તિકરણ, બાળ સુરક્ષા, સાયબર ક્રાઇમથી બચાવ તેમજ વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત, જેલ મુલાકાતો (Jail Visits) દરમિયાન કેદીઓને કાનૂની સહાય, માર્ગદર્શન અને તેમના હકો અંગે જાગૃતિ પણ પહોંચાડવામાં આવશે. જરૂરિયાતમંદ નાગરિકોને સ્થળ પર જ કાનૂની સલાહ અને સહાય પણ પૂરી પાડવામાં આવશે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાપી મુ.વ્યારા ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સુવિધા દ્વારા કાનૂની સેવાઓને વધુ ઝડપી, અસરકારક અને સુલભ બનાવવામાં મદદ મળશે, તેમજ “સર્વ માટે ન્યાય”ના ધ્યેયને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
