શિક્ષકથી શિક્ષણાધિકારી : મંદરોઈ પ્રાથમિક શાળા ખાતે નગીન પટેલને નિવૃત્તિ વિદાયમાન

0
IMG-20260404-WA0002
Contact News Publisher

શિક્ષકોની સમસ્યા સમજે તે જ સાચા શિક્ષણાધિકારી : કિરીટ પટેલ

શાળાનાં બાળકોએ અવનવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સમારોહને અવિસ્મરણીય બનાવ્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની મંદરોઈ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં શિક્ષક નગીનભાઈ કરસનભાઈ પટેલ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમનો ભવ્ય નિવૃત્તિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. નગીનભાઈ પટેલની શિક્ષણ જગતમાં ૩૯ વર્ષની ગૌરવવંતી શૈક્ષણિક સફરને વધાવવા, તેમની સંગઠન પ્રત્યેની નિષ્ઠાને બિરદાવવા ઉપરાંત બીટ નિરીક્ષક અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે શિક્ષકોનાં હિત માટેની ભૂમિકાનું ઋણ અદા કરવાનાં મંગલમય અવસરે તાલુકાભરમાંથી શિક્ષક ભાઈ-બહેનો, નિવૃત્ત કર્મચારીઓ, ગ્રામજનો, પરિવારજનો, મિત્રમંડળ સહિત સંગઠનનાં હોદ્દેદારો મોટી સંખ્યામાં ઊમટી પડ્યાં હતાં.
ઓલ ઈન્ડિયા પ્રાયમરી ટીચર્સ ફેડરેશનનાં કાઉન્સિલર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ પ્રમુખસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં તાલૂકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા ઓલપાડ તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ સોસાયટીનાં માજી સેક્રેટરી ઠાકોરભાઈ પટેલે અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શોભાવ્યું હતું. પ્રારંભે દીપ પ્રજ્વલન બાદ શાળાનાં આચાર્ય જિજ્ઞેશ પટેલે સૌને શાબ્દિક આવકાર આપી નગીનભાઈનો જીવન વૃતાંત રજૂ કર્યો હતો. બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયાએ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં નગીનભાઈની બીટ નિરીક્ષક તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેની નિ:સ્વાર્થ ભૂમિકાની સરાહના કરી હતી.
આ તકે મંદરોઈ શાળા પરિવાર, કરંજ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા મિત્રમંડળ
દ્વારા નગીનભાઈનું પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માનપત્ર અને સ્મૃતિભેટ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ સાથે તેમનાં પરિવારજનો તેમજ શુભચિંતકોએ તેમને આદરભાવ સાથે સ્મૃતિભેટ અર્પણ કરી હતી. સમારોહનાં પ્રમુખસ્થાને બિરાજમાન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનાં માનસપટ પર શિક્ષક પ્રત્યે આજીવન માન જળવાઈ રહે એજ એક શિક્ષકની સાચી કમાણી છે જેનાં નગીનભાઈ સાચા હકદાર બન્યાં છે. પોતાનાં પ્રતિભાવમાં નગીનભાઈએ તેમની સમગ્ર પ્રગતિનો શ્રેય તેમનાં માવતર તથા ધર્મપત્ની હર્ષાબેનને સમર્પિત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉદઘોષક તરીકેની ભૂમિકા રાકેશ મહેતાએ નિભાવી હતી. નગીનભાઈની નિવૃત્તિને યાદગાર બનાવવા શાળાનાં બાળકો તેમજ ગામની યુવતીઓએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other