પતિના અવસાન બાદ હેરાનગતિનો ભોગ બનેલી મહિલાને 181 અભયમ ટીમનો સહારો, કાયદાકીય સમજણથી સુખદ સમાધાન
181
તાપી 181 અભયમ ટીમની કામગીરીથી પીડિત મહિલાને મળ્યો ન્યાય અને સુરક્ષા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં એક મહિલાએ પોતાના પતિના અવસાન બાદ સાસુ-સસરા દ્વારા થતી હેરાનગતિને કારણે 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. પીડિતાએ કોલ કરીને જણાવ્યું હતું કે તેમના સાસુ-સસરા વારંવાર ઝઘડો કરી તેમને ઘર છોડવા દબાણ કરતા હતા તેમજ ખોટા આક્ષેપો લગાવી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા.
માહિતી મળતા તાપી જિલ્લાના 181 અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાના પતિનું બે વર્ષ અગાઉ અવસાન થયું હતું અને તેમને કોઈ સંતાન નથી. લગ્ન બાદ મહિલા પોતાના પતિ સાથે સાસુ-સસરાના ઘર નજીક અલગ રહેતા હતા તેમજ ખેતી માટે જમીન પણ અલગ આપવામાં આવી હતી.
પતિના અવસાન બાદ સાસુ-સસરા દ્વારા મહિલાને ઘર અને ખેતીની જમીન છોડવા માટે દબાણ કરવામાં આવતું હતું. નાની નાની બાબતોમાં ઝઘડા કરવા અને ખોટા આક્ષેપો લગાવી મહિલાને માનસિક રીતે પીડવામાં આવતી હતી.
181 અભયમ ટીમ દ્વારા સાસુ-સસરાને કાયદાકીય જોગવાઈઓ અંગે સમજણ આપવામાં આવી કે પતિના અવસાન પછી પણ મહિલાને પોતાના નિવાસસ્થાને રહેવાનો સંપૂર્ણ અધિકાર છે. સાથે જ તેમને પરિવારના સભ્ય તરીકે સહકાર આપવો જોઈએ અને કોઈપણ પ્રકારની હેરાનગતિ કરવી કાયદેસર ગુનો છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
ટીમ દ્વારા ખોટા આક્ષેપો અંગે પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું, પરંતુ કોઈ પુરાવો ન હોવાથી સાસુ-સસરાએ પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં કોઈ ઝઘડો નહીં કરે તેવી ખાતરી આપી.
પીડિત મહિલાએ આગળ કોઈ કાયદેસર કાર્યવાહી કરવાની ના પાડતાં, 181 અભયમ મહિલા ટીમ દ્વારા સ્થળ પર જ બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
