તાપીમાં ધન્વંતરી આરોગ્ય રથની સફળતા : ચાર વર્ષમાં ૭૫ હજાર શ્રમિકો લાભાન્વિત
રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે ઉચ્છલ, નિઝર અને કુકરમુંડાના શ્રમિકો માટે રથને પ્રસ્થાન કરાવ્યું
—
બાંધકામ સાઈટ પર જ શ્રમિકોને પ્રાથમિક સારવાર, દવા અને લેબ રિપોર્ટની સુવિધા નિ:શુલ્ક
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 19 :- ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા તાપી જિલ્લાના બાંધકામ શ્રમિકોને એક મહત્વપૂર્ણ આરોગ્ય ભેટ આપવામાં આવી છે. ત્યારે, તેમના કાર્યસ્થળ પર જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના શુભ આશય સાથે, ગુરુવારે સોનગઢ ખાતેથી રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે ધન્વંતરી રથને શ્રમિકોના સ્વાસ્થ્ય માટે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ પહેલ સરકારના છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના મૂળ મંત્રને સાકાર કરશે. શ્રમિકોના પ્રાથમિક સારવાર, લેબોરેટરી તપાસથી લઈને રેફર કરવા સુધી આ રથ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પ્રસંગે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તાપીના નિરીક્ષકશ્રી ડી.એસ.બલ્યાએ જણાવ્યુ કે, રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે ધન્વંતરી આરોગ્ય રથને તાપી જિલ્લાના છેવાડાના શ્રમિકોની આરોગ્ય સુખાકારીની ચિંતા કરીને પ્રસ્થાન કરાવવામાં આવી છે. આરોગ્ય રથના માધ્યમથી શ્રમિકો અને તેમના પરિવાર જનોને તેમના કાર્યસ્થળે આરોગ્યની તપાસણી કરાશે.
ધન્વંતરી આરોગ્ય રથના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરશ્રી શિતલબેન વસાવાએ જણાવ્યુ કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તેમજ EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત સહયોગથી તાપી જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ની સેવાઓ કાર્યરત કરવામાં આવી છે.
વધુમાં તેમણે ઉમેર્યુ કે, અત્યાર સુધી જિલ્લામાં વ્યારા, ડોલવણ અને સોનગઢ તાલુકાઓમાં એક રથ દ્વારા સેવાઓ આપવામાં આવતી હતી, પરંતુ આજથી ઉચ્છલ તાલુકા માટે પણ નવા આરોગ્ય રથની ફાળવણી કરવામાં આવી છે, જે ઉચ્છલ સહિત નિઝર અને કુકરમુંડા તાલુકાના શ્રમિકોને આવરી લેશે.
આંકડાકીય વિગતોની વાત કરીએ તો વર્ષ ૨૦૨૨ થી અત્યાર સુધીમાં તાપી જિલ્લામાં આ સેવા હેઠળ અંદાજે ૭૫,૦૦૦ જેટલી ઓ.પી.ડી. (OPD) અને ૮,૦૦૦ થી વધુ ઈ-નિર્માણ કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. આ ધન્વંતરી આરોગ્ય રથમાં એક મેડિકલ ઓફિસર, પેરામેડિક, લેબ ટેકનિશિયન, લેબર કાઉન્સેલર અને પાઈલટની ટીમ હાજર હોય છે.
આ રથ કન્સ્ટ્રક્શન સાઇટ પર જઈને શ્રમિકોને તાવ, શરદી, ખાંસી અને ચામડીના રોગોની નિ:શુલ્ક તપાસ કરી જરૂરી દવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત, લેબ ટેકનિશિયન દ્વારા હિમોગ્લોબિન, બ્લડ સુગર, યુરિન અને મેલેરિયા જેવા રિપોર્ટ પણ સ્થળ પર જ કરી આપવામાં આવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
