પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ તાપી જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ

Contact News Publisher

બીજામૃત, જીવામૃત અને આચ્છાદનથી જમીનની ફળદ્રુપતા વધે છે

— 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા),: તા. 10. :- આજના સમયમાં ખેતીમાં વધતા ખર્ચ, જમીનની ઘટતી ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્ય પર પડતા પ્રતિકૂળ અસરને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધી રહ્યું છે. તાપી જિલ્લાના ૧૫ હજાર કરતા વધુ ખેડૂતો ૭૬૮૭ એકરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી મુખ્યત્વે દેશી ગાય પર આધારિત છે. દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રના ઉપયોગથી ઓછા ખર્ચે અને પર્યાવરણને અનુકૂળ ખેતી કરી શકાય છે.

પ્રાકૃતિક ખેતીમાં ઘરગથ્થું ઉપલબ્ધ સામગ્રીથી જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક અસ્ત્રો તૈયાર કરી શકાય છે. આ તમામ પ્રક્રિયાઓ જમીનની ફળદ્રુપતા વધારવામાં અને પાકની સારી વૃદ્ધિ માટે મદદરૂપ બને છે. તેથી જ આ પાંચને પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે.

વાવણી પહેલાં બીજની સારવાર માટે બીજામૃતનો ઉપયોગ કરવામાં આવે છે. દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, ખેતરની માટી અને ચૂનાને પાણીમાં ભેળવી ૨૪ કલાક રાખીને બીજામૃત તૈયાર થાય છે. ત્યારબાદ બીજને તેનો પટ આપીને વાવણી કરવામાં આવે છે. બીજામૃતના ઉપયોગથી બીજની અંકુરણ ક્ષમતા વધે છે તેમજ બીજજન્ય રોગો અને ફૂગથી રક્ષણ મળે છે.

તે જ રીતે જીવામૃત દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવવામાં આવે છે. તેમાં ગોળ, દાળનો લોટ અને ખેતરની માટી ઉમેરી પાણીમાં ભેળવી દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. આ જીવામૃત જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોની સંખ્યા વધારી જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે. જીવામૃત પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે અને જમીનને ઢીલી અને ભેજવાળી રાખે છે.

આચ્છાદન એટલે પાકના અવશેષો અથવા પાંદડાઓથી જમીનને ઢાંકવાની પ્રક્રિયા. આ પ્રક્રિયાથી જમીનમાં ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે છે, પાણીનું બાષ્પીભવન ઓછું થાય છે અને જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો તથા અળસિયાઓને અનુકૂળ વાતાવરણ મળે છે. પરિણામે પાકનો વિકાસ વધુ સારો થાય છે.

પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ફળદ્રુપતા, ભેજ સંગ્રહ ક્ષમતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી આશરે ૩૦ એકર જમીનમાં ખેતી શક્ય બને છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે, પાણીની બચત થાય છે, પર્યાવરણનું સંરક્ષણ થાય છે અને માનવ સ્વાસ્થ્ય માટે પણ તે લાભદાયક સાબિત થાય છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *