ઓલપાડની તળાદ હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળ સંચાલિત તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદમાં સ્થાનિક કેળવણી મંડળનાં ઉપક્રમથી વાર્ષિક ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહનાં પ્રમુખ તરીકે રવિન્દ્રભાઈ ઉર્ફે સંજયભાઈ પટેલ તેમજ મુખ્ય મહેમાન તરીકે ઓલપાડ તાલુકા આઝાદદિન સ્મારક કેળવણી મંડળનાં માનદ મંત્રી જયંતિભાઈ પટેલ તથા ઉપપ્રમુખ મનહરભાઈ પટેલ સહિત આમંત્રિત મહેમાનો, કારોબારી સભ્યો તેમજ વાલીજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆત તળાદ સ્થાનિક કેળવણી મંડળનાં ભૂતપૂર્વ પ્રમુખ સ્વ.મોહનભાઈ પટેલ અને ઈશ્વરભાઈ પટેલની યાદમાં બે મિનિટ મૌન પાળી કરવામાં આવી હતી.
દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, સ્વાગતગીત બાદ શાળાનાં માધ્યમિક વિભાગનાં આચાર્ય જયેશભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન રજૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક કેળવણી મંડળનાં પ્રમુખ ભગવતીભાઈ પી.પટેલે ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તિર્ણ થયેલ જુનિયર કે.જી.થી લઈને ધોરણ ૧૨ સુધીનાં વિદ્યાર્થીઓને ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતાં. આ સાથે ધોરણ ૧૦ તેમજ ૧૨ બોર્ડની પરીક્ષાઓમાં સિદ્ધિ નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં અગ્રસ્થાને રહેલ વિદ્યાર્થીઓને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ તકે સમારોહનાં પ્રમુખ રવિન્દ્રભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ તેમજ મનહરભાઈ પટેલે પ્રસંગ અનુરૂપ ઉદબોધન કરી વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં. સમારોહનાં અંતિમ ચરણમાં શાળાનાં વિદ્યાર્થીઓએ રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો. આભારવિધિ પ્રાથમિક શાળાનાં આચાર્ય જશવંતભાઈ પટેલે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં શિક્ષિકા ચિલ્કાબેન તેમજ પ્રાથમિક વિભાગનાં દિપીકાબેને સંયુક્તપણે કર્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
