તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે શુક્રવારે સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિકાસલક્ષી વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને તેને લગતા જરૂરી ઠરાવો પસાર કરાયા હતા.
આ બેઠકમાં તાપી જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ અને વસ્તીના વ્યાપને ધ્યાને લેતા, વહીવટી કાર્યક્ષમતા વધારવા બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં તલાટી-કમ-મંત્રીશ્રીઓ હસ્તક મોટા સેજા હોવાથી અને પંચાયતોની સંખ્યા વધુ હોવાથી કામગીરીનું ભારણ રહેતું હતું. આ કાર્યભાર ઘટાડવા અને જનતાના કામો ઝડપથી થાય તે હેતુથી વહીવટી સુધારણા અંતર્ગત મોટા સેજાઓને નાના સેજાઓમાં વિભાજિત કરવાનો નિર્ણય લેવાયો હતો.
બેઠક દરમિયાન આઈ.સી.ડી.એસ. બાળવિકાસ યોજનાની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી નિઝર ઘટકનું વિભાજન કરી, કુકરમુંડા તાલુકા માટે નવા ઘટકની મંજૂરી મેળવવા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, સોનગઢ તાલુકામાંથી નવનિર્મિત થયેલા ઉકાઈ તાલુકામાં ICDS કચેરી હસ્તકના નવા ‘સેજા’ મંજૂર કરવા અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો.
વહીવટી સરળતા અને લોકપ્રશ્નોના સ્થાનિક સ્તરે ઝડપી નિકાલ માટે ગ્રામ પંચાયતોના વિભાજનની દરખાસ્તોને પણ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. જે અંતર્ગત મોજે આમલગુંડી જૂથ ગ્રામ પંચાયતમાંથી નવીન ‘ચકવાણ’ ગ્રામ પંચાયત, મોજે મોધવણ જૂથ ગ્રામ પંચાયતમાંથી નવીન ‘કાળાઘાટ જૂથ’ ગ્રામ પંચાયત, અને મટાવલ જૂથ ગ્રામ પંચાયતમાંથી નવીન ‘અશ્રાવા’ ગ્રામ પંચાયતની રચના કરવા અંગેની દરખાસ્તોને મંજૂરી અર્થે રાજ્ય સરકારમાં મોકલવા માટે ભલામણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, ખેત ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ તેમજ જાહેર બાંધકામ સમિતિની બેઠકોની કાર્યવાહી નોંધને સભા દ્વારા બહાલી આપવામાં આવી હતી. રેતી-કંકર યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૪-૨૫ના મંજૂર થયેલા કામોમાં વહીવટી અનુકૂળતા મુજબ જરૂરી ફેરફાર કરવા બાબતે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો.
આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલુયા, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ, સદસ્યશ્રીઓ તેમજ સંબંધિત શાખાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
