ઓલપાડની કીમ પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કીમ પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં આચાર્ય પુષ્પાબેન રાવળે આ પ્રસંગે જણાવ્યું હતું કે આનંદમેળા થકી બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારિક જ્ઞાન પણ કેળવાય છે જે તેમનાં શિક્ષણમાં ઉત્તરોત્તર ફળદાયી નીવડે છે.
આ આનંદમેળાનું ઉદ્દઘાટન કીમ ગામનાં સરપંચ પ્રવિણભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ભેલ, વડાપાઉં, ભજીયા, સમોસા, મંચુરિયન, મેગી, કટલેશ, પાણીપુરી, આલુપુરી, સેન્ડવિચ, દાબેલી, ચણા ચાટ જેવી અવનવી વાનગીઓનાં વિવિધ સ્ટોલ બાળકો દ્વારા ઉભા કરવામાં આવ્યા હતાં. જેનો શાળાનાં બાળકો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ રસાસ્વાદ માણ્યો હતો. આ પ્રસંગે કીમનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલે ઉપસ્થિત રહીને સ્ટોલધારક બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. ખૂબ જ ઉત્સાહ અને આનંદ વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં શિક્ષકગણે બાળકોને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
