એ.આર.ટી.ઓ. વ્યારા દ્વારા વાલોડની નર્સિંગ કોલેજ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
માર્ગ સલામતીના ‘4 E’ અને ‘ગુડ સમેરિટન’ કાયદા અંગે વિદ્યાર્થીનીઓને વિસ્તૃત માર્ગદર્શન અપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૭. તાપી જિલ્લાના એ.આર.ટી.ઓ. વ્યારા દ્વારા ‘માર્ગ સલામતી માસ’ની ઉજવણીના ભાગરૂપે અરુણાબેન ભક્તા નર્સિંગ કોલેજ, વાલોડ ખાતે માર્ગ સલામતી વિષયક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સહાયક મોટર વાહન નિરીક્ષક શ્રી બી. એલ. ચૌધરીએ આધુનિક સ્પીડ કેમેરા અને ઇ-ચલાન સિસ્ટમની કાર્યપદ્ધતિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ટેકનોલોજીના માધ્યમથી ટ્રાફિક નિયમોનું કડક પાલન થવાથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાય છે.
કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતીના મુખ્ય ચાર સ્તંભો ‘4 E’ Engineering (ઇજનેરી): સુરક્ષિત રસ્તાઓનું નિર્માણ,Education (શિક્ષણ): જનજાગૃતિ દ્વારા નિયમોનું જ્ઞાન,Enforcement (અમલીકરણ): ટ્રાફિકના કાયદાઓનું કડક પાલન,Emergency Care (તાત્કાલિક સારવાર): અકસ્માત સમયે ઝડપી તબીબી સહાય વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.
વધુમાં, અકસ્માત સમયે મદદ કરનાર નાગરિકોને મળતી કાનૂની સુરક્ષા એટલે કે ‘ગુડ સમેરિટન’ યોજના વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી લોકો કોઈ પણ ડર વગર ઈજાગ્રસ્તોની મદદ કરી શકે.
આ કાર્યક્રમમાં ખાસ કરીને દ્વિ-ચક્રીય વાહન ચાલકો માટે હેલ્મેટની અનિવાર્યતા અને વાહનની નિયંત્રિત ગતિ અંગે ભાર મૂકવામાં આવ્યો હતો. અંતમાં, માર્ગ સલામતીનું મહત્વ સમજાવતા સૂત્ર “સુરક્ષિત રસ્તા + નિયમોનું પાલન + જાગૃત નાગરિક + ઝડપી સારવાર = ઓછા અકસ્માત અને મૃત્યુ” દ્વારા ઉપસ્થિત સૌને માર્ગ શિસ્ત જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
