વડોદરા રીજયનના PMG શ્રી દિનેશકુમાર શર્માની ઉપસ્થિતિમાં ૩૯૩ પોસ્ટ માસ્ટરોનું સન્માન કરાયું
૪૦૦ ગ્રાહક જોડાણનો લક્ષ્યાંક પૂર્ણ કરનારા કર્મયોગીઓનું બહુમાન કરતાં દિનેશ શર્મા
—
વ્યારા ખાતે ‘અનુબંધ ડાકઘર’ સન્માન સમારોહ યોજાયો
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૪. :- વડોદરા રીજયનના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી દિનેશકુમાર શર્માની મુખ્ય ઉપસ્થિતિમાં બારડોલી ડિવિઝન દ્વારા વ્યારા જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે શુક્રવારે અનુબંધ શાખા – પોસ્ટ ઓફિસોના પોસ્ટ માસ્ટરોની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન સમારોહ યોજાયો હતો.
શ્રી દિનેશકુમાર શર્મા દ્વારા જાન્યુઆરી ૨૦૨૫ થી અનુબંધ ડાકઘર અભિયાન ચલાવીને વડોદરા રીજયનની તમામ બ્રાન્ચ પોસ્ટ ઓફિસોને ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવાના આશય સાથે લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેમાં વડોદરા રીજયનની તમામ શાખા પોસ્ટ ઓફિસોને નવા ૪૦૦ ગ્રાહકોને વિભાગ સાથે જોડવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.
આ તકે, શ્રી દિનેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય સ્તરે કાર્યરત BPM મિત્રો પોસ્ટ વિભાગની કરોડરજ્જુ છે. તેઓની જનસેવા અને કાર્યનિષ્ઠાને કારણે જ આજે બારડોલી ડિવિઝન આ ગૌરવશાળી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. તેમણે આગામી સમયમાં પણ આ જ રીતે સેવા ભાવના અને સમર્પણ સાથે કાર્ય કરવા પ્રેરણા આપીને તેમની કામગીરીને બિરદાવી હતી.
બારડોલી ડિવિઝનની તમામ ૩૯૩ બ્રાન્ચ પોસ્ટ ઓફિસોએ આ કપરો લક્ષ્યાંક પૂર્ણ કરતા હવે આ ડિવિઝન સમગ્ર રીજયનમાં “સંપૂર્ણ અનુબંધ ડિવિઝન” તરીકે ઉભરી આવ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે વડોદરા રીજયનના પોસ્ટલના આસિસ્ટન્ટ ડિરેક્ટરશ્રી એમ. એમ. શેખ અને IPPB હેડ શ્રી ધર્મેશ ગોસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન બારડોલી ડિવિઝનના સુપરિન્ટેન્ડન્ટશ્રી જી.પી. તલગાંવકરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
