નારિયેળના વેસ્ટ માંથી બેસ્ટ : વ્યારાના જાગૃતિબેન ગામીતનું અનોખું સ્ટાર્ટઅપ
સશક્ત નારી મેળામાં નારિયળના રેસા માંથી તૈયાર ગણેશજીની પ્રતિમા અને ડેકોરેશનની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર
—
સરકારના સહયોગથી મને નવી ઓળખ મળી, સ્ટોલ ફાળવવા બદલ સરકારનો આભાર : જાગૃતિબેન ગામીત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨ :- વ્યારાના જાગૃતિબેન ગામીત આજે નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેમણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને બાજીપુરાની ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થાના સહયોગથી વિશેષ તાલીમ મેળવી નારિયેળના નકામા રેસાઓ માંથી અદભૂત ચીજવસ્તુઓ બનાવતા થયા છે. જે ચીજવસ્તુઓને લોકો ફેંકી દેતા હોય છે, તેમાંથી જાગૃતિબેન આજે મૂલ્યવાન કલાત્મક વસ્તુઓ બનાવીને પર્યાવરણના જતનની સાથે રોજગારીની તક ઉભી કરી રહી છે.
જાગૃતિબેને સરકારનો આભાર માનતા જણાવ્યું કે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની તાલીમ અને ‘સશક્ત નારી મેળા’ જેવા પ્લેટફોર્મને કારણે તેમની કલાને આજે લોકો સુધી પહોંચવાની તક મળી છે. વ્યારામાં આયોજિત ‘સશક્ત નારી મેળા’ માં મળેલી સ્ટોલની ફાળવણી બદલ હું ગૌરવ અનુભવું છું. હું નારિયેળના રેસામાંથી ભગવાન ગણેશજીની સુંદર પ્રતિમાઓ, આકર્ષક ટોપલીઓ અને હોમ ડેકોરની વસ્તુઓ બનાવી રહી છું. મેળામાં આવતા
ગ્રાહકો આ અનોખી પ્રોડક્ટ્સને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, તા. ૨૦ થી ૨૨ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન વ્યારા ખાતે સશક્ત નારી મેળામાં મહિલાઓ સાથે મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
