રૂ. ૧૪.૪૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી ૨૪ લાઈબ્રેરીઓનું શ્રાવણીયા ખાતેથી ઇ. ખાતમુહૂર્ત
શિક્ષણક્ષેત્રમાં આદિવાસી વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ – મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
—
મંત્રી સર્વશ્રી નરેશભાઈ પટેલ. અને ડો. જયરામભાઈ ગામીતે શ્રીફળ વધેરીને શ્રાવણીયા લાઈબ્રેરીનું ખાતમુહૂર્ત કર્યુ
—
વ્યારા, વાલોડ, સોનગઢ, નિઝર, ઉચ્છલ, કુકરમુંડા સહિત કુલ ૨૪ લાઇબ્રેરીઓથી વિદ્યાર્થીઓને લાભ મળશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩. :- રાજ્યના આદિજાતિ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં સોનગઢ ખાતેથી રેતી કંકર યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત અંદાજિત રૂ. ૧૪.૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૨૪ લાઈબ્રેરી પૈકી શ્રાવણીયા ખાતે લાઈબ્રેરીનું ખાતમૂહુર્ત શ્રીફળ વધેરીને કર્યું હતું. સાથોસાથ, રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે મંચ પરથી ૨૩ લાઈબ્રેરીઓનું ઇ-ખાતમુહૂર્ત કરીને જિલ્લાના વિદ્યાર્થીઓને ભેટ આપી હતી.
આ તકે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, લાઈબ્રેરીના નિર્માણ પાછળનો એકમાત્ર આશય ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ અને વિકાસના અંતરને ઘટાડી તાપી જિલ્લાના આદિવાસી સમુદાયના યુવાનો, વિદ્યાર્થીઓને અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. શિક્ષણક્ષેત્રમાં આદિવાસી વિદ્યાર્થીઓ ખુબ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે. વધુમાં મંત્રીશ્રી પટેલે આરોગ્ય, શિક્ષણ, પોષણ, રોડ-રસ્તા સહિતની માળખાકિય સુવિધા ઉપલબ્ધ કરાવીને લોકકલ્યાણકારી યોજનાઓ અંગે પણ માહિતગાર કર્યા હતા.
આ તકે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે પણ કહ્યું કે, અહીંના વિદ્યાર્થીઓમાં વાંચનની ભાવના કેળવવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમની ભાગીદારી વધારવા માટે નિર્માણ થનારી લાઈબ્રેરી ખુબ મહત્વપૂર્ણ નિવડશે. અહીં, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો, પાઠ્યપુસ્તકો તો ઉપલબ્ધ હશે. પરંતુ બાળકોને વાચવા માટે શ્રેષ્ઠ વાતાવરણ પુરુ પડે તેવા નિર્ધાર સાથે જિલ્લામાં કુલ ૨૪ ગુણવત્તાયુક્ત અને અદ્યતન લાઈબ્રેરીઓ વિકાસ પામશે.
નોંધનીય છે કે, લાઈબ્રેરીમાં પાઠ્યપુસ્તકો, સાહિત્ય, સ્પર્ધાત્મક પરીક્ષા સહિત વર્તમાન પ્રવાહ માટે અખબારો પણ સામેલ હશે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પણ લાઈબ્રેરીથી લાભ મળશે. વિદ્યાર્થીઓમાં વાંચનની જીજ્ઞાશા વધશે. સાક્ષરતા દરમાં પણ વધારો થશે.
નોંધનીય છે કે, વ્યારાના ખોડતળાવ, બાલપુર, ચીખલી, જેસિંગપુરા અને ખુશાલપુરા, ડોલવણ તાલુકામાં ધંતુરી, પદમડુંગરી અને ધોળકા, વાલોડ તાલુકામાં વિરપોર, દેગામા અને અંબાચ, સોનગઢ ખાતે શ્રાવણીયા સહિત મોટા બંધારપાડા, સાતકાશી, મોટી ખેરવાણ, ધજાંબા, ખાંભલા અને આમલીપાડા, ઉચ્છલ તાલુકામાં ચિતપુર, ભડભૂંજા અને નારણપુર, નિઝર તાલુકાના સાયલા તેમજ કુકરમુંડા તાલુકાના મેઢપુર અને સદગવાણ ખાતે ગુણવત્તાયુક્ત અને અદ્યતન લાઈબ્રેરી તૈયાર થશે. જેમાંથી શ્રાવણીયા ખાતેની લાઈબ્રેરીનું મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત થયું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, જિલ્લાના અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, પદ્મશ્રી રમીલાબેન ગામીત, સુમુલ ચેરમેનશ્રી માનસિંગભાઈ પટેલ, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, હોદ્દેદારો, ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
