જંતુનાશક દવાઓનો વધતો ખતરો : કૃષિ અને આરોગ્ય માટે ગંભીર ચિંતા
પ્રાકૃતિક ખેતી : જંતુનાશક દવાઓથી ઊભી થયેલ સમસ્યાઓનું ટકાઉ અને અસરકારક સમાધાન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા ૧૦. કૃષિ ક્ષેત્રમાં જંતુનાશક દવાઓના વધતા ઉપયોગથી કીટકોમાં પ્રતિકાર શક્તિ વિકસતી જઈ રહી છે, જેના કારણે જૂની દવાઓ બેઅસર બનતી જાય છે અને ખેડૂતોને વધુ ખર્ચાળ દવાઓનો સહારો લેવો પડે છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે દવાઓના અવશેષો શાકભાજી, અનાજ, દૂધ, પાણી અને માંસમાં મળી માનવ આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. ખાસ કરીને બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ અને વૃદ્ધોમાં માથાનો દુખાવો, ઊબકા, શ્વાસની તકલીફથી લઈને લાંબા ગાળે કેન્સર જેવા જોખમો પણ વધી શકે છે.
આ પડકાર સામે પ્રાકૃતિક ખેતી સૌથી અસરકારક અને સલામત વિકલ્પ બની ઉભરી છે. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક દવા-ખાતરનાં બદલે ગાય આધારિત જીવામૃત, બીજામૃત, મલ્ચિંગ અને વાપસા સિદ્ધાંત જેવી પદ્ધતિઓથી પાકને રક્ષણ અને પોષણ આપવામાં આવે છે. આ પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા વધે છે, પાકની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને ખેડૂતનો ખર્ચ ૬૦ થી ૮૦ ટકા સુધી ઘટે છે.
ઝેરમુક્ત પાકને બજારમાં વધારે માંગ મળતી હોવાથી ખેડૂતોને આર્થિક લાભ પણ થાય છે. દેશ-વિદેશમાં પ્રાકૃતિક ખેતી ઝડપથી લોકપ્રિય બની રહી છે અને કૃષિ નિષ્ણાતો પણ તેને જંતુનાશક દવાઓના ટકાઉ વિકલ્પ તરીકે ભલામણ કરી રહ્યા છે.ત્યારે જંતુનાશક દવાઓના જોખમ સામે પ્રાકૃતિક ખેતી હવે સમયની માંગ બની ગઈ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
