વીસ વર્ષિય માતા અને નવજાત શિશુ માટે વ્યારાની જનરલ હોસ્પિટલના તબીબો બન્યા ફરિશ્તા
અહેવાલ : મનોજ ખેંગાર (માહિતિ વિભાગ- તાપી)
વ્યારા: તા: ૬: છેવાડાના અંતરિયાળ વિસ્તારોના પ્રજાજનોને શ્રેષ્ઠ આરોગ્ય સુશ્રુષા મળી રહે તે માટૅ પ્રતિબદ્ધ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વ્યારાની જનરલ હોસ્પિટલના કર્મઠ તબીબો તાજેતરમાં એક વીસ વર્ષિય માતા અને તેના નવજાત શિશુ માટે ફરિશ્તા સાબિત થયા હતા.
“કોરોના”ની દહેશત વચ્ચે રાઉન્ડ ધ ક્લોક ફરજરત રહેતા જનરલ હોસ્પિટલના તબીબોની સેવા પરાયણતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
ગત તા.૨૩/૫/૨૦૨૦ના રોજ રાત્રીના ૧૨:૨૪ કલાકે ડોલવણ તાલુકાના આમોનિયા ગામના નીચલા ફળિયામાં રહેતા વીસ વર્ષિય રશ્મિકાબેન ગિરિશભાઇ કોંકણીને બ્લીડીંગ PV સાથે ઇમરજન્સીમાં જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે લવાયા. જેની તપાસ કરતા વધારે બ્લીડીંગ થવાથી 3% Hb જણાયુ. તેથી તેને તાત્કાલિક LSCS કરવાનો નિર્ણય ગાયનેકોલોજીસ્ટ દ્વારા લેવામાં આવ્યો. જેથી બાળક અને માતાનો જીવ જોખમાય નહી.
આ માટે તાત્કાલિક ધોરણે 3 Unit PCV , 20 PC , 26 FFP ની વ્યવસ્થા નજીકની બ્લડ બેંકમાંથી કર્મયોગી કાઉન્સેલર શ્રી વિપુલભાઇ જે.ગામીત દ્વારા JSSK પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી.
LSCS થતાં બાળકને તરત જ પીડિયાટ્રીશીયન દ્વારા તપાસવામાં આવ્યું, અને તેને મોનિટરીંગ માટે SNCU માં લઇ જવામાં આવ્યું. માતાને સઘન સારવાર માટે HDO માં શીફ્ટ કરાઈ. જ્યાં ડો. સોનલબેન પાડવી, ગાયનેકોલોજીસ્ટની સલાહ, સારવાર તેમજ માર્ગદર્શન મુજબ લેબર વિભાગનાં સ્ટાફ નર્સની માતૃતુલ્ય કાળજી અને સારવારના પરિણામે તા.૨૬/૫/૨૦૨૦ નાં રોજ તેમનું Hb વધીને ૯% થયુ. જેથી તેમની તબિયતમાં પણ સુધારો થયો, અને અંતે દર્દી સંપુર્ણ સ્ટેબલ થયું.
આમ, જનરલ હોસ્પિટલ-વ્યારાના ગાયનેકોલોજી વિભાગનાં કર્મઠ કર્મયોગીઓ આ માતા અને બાળક માટે ફરિશ્તા સાબિત થયા.
હોસ્પિટલની કાળજીપુર્વકની સારવાર તેમજ JSSK પ્રોગ્રામનાં કાઉન્સેલર દ્વારા કાઉન્સેલીંગ કર્યા બાદ તારીખ ૨૯/૫/૨૦૨૦ નાં રોજ આ દર્દીને રજા અપાતા, રાજ્ય સરકારની ખિલખિલાટ દ્વારા તેમને તેમના ગામ આમોનિયા, નીચલુ ફળીયું, તા. ડોલવણ, જી. તાપીના પોતાનાં ઘરે સહી સલામત પહોંચાડવામાં આવ્યા.
ત્યારે આ માતા, બાળ અને તેમના પરિવારના સભ્યોના ચહેરા પણ ખિલખિલાટ લાગતા હતા. આ પરિવારે સિવિલ હોસ્પિટલના તબીબોનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે.
–