વ્યારા ખાતે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, તાપીના સંયુક્ત ઉપક્રમે તારીખ ૦૧ ડીસેમ્બરના રોજ વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે “જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન-પરંપરાના સંવર્ધન માટે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને ધર્મપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અમર સંદેશ અને સંસ્કૃત ભાષાના મહત્વને પ્રસ્થાપિત કરવાનો હતો.
ઉપસ્થિત મહાનુભાવોએ ગીતાના મહાન ઉપદેશો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગીતા એ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે જીવનના દરેક તબક્કે મનુષ્યને કર્તવ્ય, ધર્મ અને મોક્ષનો માર્ગ બતાવનારી સનાતન ફિલોસોફી છે. ગીતાનો મુખ્ય સંદેશ નિષ્કામ કર્મયોગ છે, જે વર્તમાન સમયમાં પણ એટલો જ પ્રાસંગિક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિદ્યાર્થીઓએ ગીતાના ઉપદેશોને પોતાના જીવનમાં ઉતારીને આધુનિક પડકારોનો સામનો કરવા માટે મનોબળ અને પ્રેરણા મેળવવી જોઈએ, જેથી એક સંતુલિત અને મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ થઈ શકે.
વધુમાં, વક્તાઓએ ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમાન સંસ્કૃત ભાષાના મહત્વ પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સમજાવ્યું કે સંસ્કૃત માત્ર પ્રાચીન ભાષા નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ, જ્ઞાન અને વિજ્ઞાનનો પાયો છે. વેદો, ઉપનિષદો, અને શ્રીમદ્ ભગવદ્ ગીતા સહિતના તમામ પ્રાચીન ગ્રંથોનું જ્ઞાન સંસ્કૃતમાં સમાયેલું છે. સંસ્કૃતના અભ્યાસથી વિદ્યાર્થીઓની તર્કશક્તિ, યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતામાં વધારો થાય છે, જે શૈક્ષણિક અને વ્યાવસાયિક જીવનમાં સફળતા માટે અત્યંત જરૂરી છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત આ મહોત્સવ તાપી જિલ્લામાં સંસ્કૃતિ અને જ્ઞાનની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવામાં સફળ રહ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી આશિષ શાહ આંગતુકોનો આભાર માન્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
