તાપી જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં ભૂલકાઓનો કિલકિલાટ

આંગણવાડી ખાતે ‘અન્નપ્રાશન’ અને ‘બાળ દિન’ની હર્ષોલ્લાસભેર ઉજવણી
—
દર મહિનાનો ત્રીજો મંગળવાર એટલે બાળકોના પોષણ અને વિકાસનો ઉત્સવ
—
મારી વિકાસ યાત્રા : વાલીઓ સમક્ષ બાળકના પ્રગતિ આલેખની જીવંત ચર્ચા
—
(માહિતી બ્યૂરો દ્વારા, તાપી) : તા.17. – બાળકના જન્મથી લઈને તેના પ્રારંભિક વર્ષો તેના ભવિષ્યની મજબૂત આધારશીલા છે. આ જ ઉદ્દેશ્ય સાથે તાપી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં દર મહિનાના ત્રીજા મંગળવારની આતુરતાથી રાહ જોવાય છે. આ દિવસ એટલે આંગણવાડીના ભૂલકાઓ માટે અન્નપ્રાશન અને બાળ દિનની બેવડી ખુશીઓનો અવસર. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે આ દિવસ એક જનજાગૃતિ અભિયાન બની ચૂક્યો છે.
જ્યારે બાળક પોતાના જીવનના શરૂઆતના અમૂલ્ય ૬ માસ વટાવી જાય, ત્યારે તેને માતાના દૂધની સાથે પૂરક આહારની સખત જરૂર હોય છે. આંગણવાડી કેન્દ્રોમાં ત્રીજા મંગળવારે આવા બાળકો માટે વિશેષ અન્નપ્રાશન પ્રવૃત્તિઓ યોજાય છે.
આંગણવાડી કાર્યકરો દ્વારા માતાઓની હાજરીમાં બાળકને પ્રેમપૂર્વક ઘરમાં અથવા આંગણવાડીમાં જ બનેલી પૌષ્ટિક રાબ કે શીરો ખવડાવીને તેના જીવનમાં પ્રથમવાર અન્નની શરૂઆત કરાવવામાં આવે છે. આ પ્રસંગે ઉપસ્થિત માતાઓ તથા વાલીઓને સમજાવવામાં આવે છે કે બાળકના શારીરિક વિકાસ માટે હવેથી સ્તનપાનની સાથે કેવો અને કેટલો પૂરક આહાર આપવો અનિવાર્ય છે.
આ જ દિવસે કેન્દ્ર પર ૩ થી ૬ વર્ષના બાળકો માટે બાળ દિનનો માહોલ જામતો હોય છે. ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે જો આ સમયગાળા દરમિયાન કેન્દ્રના કોઈ બાળકની બર્થ-ડે હોય, તો તમામ બાળકો અને વાલીઓની હાજરીમાં તેને ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે.
કાર્યક્રમમાં ખાસ કરીને વાલીઓને આમંત્રિત કરવામાં આવે છે. બાળકોએ આંગણવાડીમાં જે ચિત્રકામ કે રંગકામ કર્યું હોય, તે ગર્વભેર તેમના માતા-પિતાને બતાવવામાં આવે છે. પોતાના બાળકના હાથની કળા જોઈને વાલીઓના ચહેરા પર પણ અનેરો સંતોષ જોવા મળે છે.
આ દિવસ માત્ર ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ બાળકના વૈજ્ઞાનિક મૂલ્યાંકનનો પણ છે. આંગણવાડી કાર્યકરો દ્વારા દરેક બાળકની તૈયાર કરાયેલી ‘મારી વિકાસ યાત્રા’ પુસ્તિકા વાલીઓ સમક્ષ વાંચી સંભળાવવામાં આવે છે.
આ પુસ્તિકાના આધારે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ કેવો ચાલી રહ્યો છે તેની સચોટ માહિતી માતા-પિતાને અપાય છે. આ ઉપરાંત, બાળકના બૌદ્ધિક અને ભાવાત્મક વિકાસ એટલે કે બાળક વસ્તુઓને કેવી રીતે સમજે છે, તેની લાગણીઓ કેવી છે અને તે અન્ય બાળકો સાથે કેવી રીતે ભળે છે, તે તમામ પાસાઓ પર વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવે છે.
આલેખન – સંગીતા ચૌધરી
૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
