ઉચ્છલ તાલુકાના હરીપુર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર નવનિર્માણાધિન સમારોહ યોજાયો

Contact News Publisher

રાજ્યપાલશ્રીએ ઉચ્છલના હરિપુરા ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્રનું ઇ-ખાતમુહૂર્ત કર્યું

ખેડૂતોને પ્રકૃતિક ખેતીના પાંચ આયામોનો ઉપયોગ કરી આરોગ્યપ્રદ ઉત્પાદન મેળવવા અનુરોધ કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાસાયણિક ખાતરો જમીનને હાનિ પહોંચાડતા હોવાથી ખેડુતોને યુરિયા ડીએપીનો ત્યાગ કરી પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવા રાજયપાલશ્રીએ પ્રેરિત કર્યા

પ્રાકૃતિક કૃષિ એ જ એકમાત્ર માર્ગ છે, જે આપણી જમીનને ફરીથી સજીવ, ઉપજાઉ અને સમૃદ્ધ બનાવી શકે છે- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 10. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના હરિપુર ખાતે એકતા ચેરિટેબલ ટ્રસ્ટ, ઉચ્છલ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્રના નવનિર્માણાધિન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તાલીમ કેન્દ્રનું ઇ-ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી લોકોના સ્વાસ્થ્ય, પર્યાવરણ અને અર્થતંત્ર, ત્રણેય માટે અગત્યની છે અને ધરતી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણ થનાર તાલીમ કેન્દ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નહીં પરંતુ “પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વનો માર્ગ” છે. તેમણે ઉમેર્યું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓએ ધરતીને બંજર બનાવી દીધી છે, પાણી પ્રદૂષિત થયું છે અને માનવ આરોગ્ય ખતરામાં મુકાયું છે. હવે સમય આવી ગયો છે કે આપણે ફરીથી ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળી જઈએ. પ્રાકૃતિક કૃષિ એ જ એકમાત્ર માર્ગ છે, જે આપણી જમીનને ફરીથી સજીવ, ઉપજાઉ અને સમૃદ્ધ બનાવી શકે છે.

રાજ્યપાલશ્રીએ ખેડૂતોને સમજાવ્યું કે, દેશમાં દર વર્ષે કરોડો રૂપિયાની રકમ વિદેશોમાંથી યુરિયા અને ડી.એ.પી. જેવા ઝેર ખરીદવા પર ખર્ચાય છે, જે દેશની સંપત્તિનું મોટું નુકસાન છે. જો આપણે પ્રાકૃતિક કૃષિ અપનાવીએ તો દેશનો રૂપિયો દેશમાં જ રહે, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય એ દુનિયાની પહેલી એવી યુનિવર્સિટી છે, જે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીને વૈજ્ઞાનિક રીતે પ્રસ્થાપિત કરવાનું કાર્ય કરી રહી છે. ઉચ્છલમાં નિર્માણ થનાર આ તાલીમ કેન્દ્રમાં ખેડૂતોને જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત જેવા બાયો ઇનપુટ્સ બનાવવાની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ કેન્દ્ર સાથે દેશી ગૌનસ્લ સુધાર કેન્દ્ર પણ સ્થાપિત થશે, જ્યાં સેક્સડ સૉર્ટેડ સીમેન ટેકનોલોજીથી ગાયોની ઉન્નત જાતો વિકસાવવામાં આવશે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આજના યુગમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે જમીનની સમતુલા ખોરવાઈ રહી છે, પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે અને અનેક રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે ખેડૂતોને યુરિયા અને ડીએપી છોડીને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવા ખાસ અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા હાકલ કરતા સૌએ હાથ ઉંચા કરી સહમતી દર્શાવી હતી. જે બદલ રાજયપાલશ્રીએ કહ્યું કે, આપ સૌએ આપેલ આ પ્રતિભાવ ગુજરાતમાં કૃષિ માટે નવો પ્રારંભ છે. હવે સમય આવી ગયો છે જમીનને ફરી જીવંત બનાવવાનો, ગાયને ઘરમાં પાછી લાવવાનો અને ઝેરમુક્ત ભારત બનાવવાનો.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ હવે પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય મિશન સ્વરૂપે કાર્યરત છે. ગુજરાત સરકારના સહકારથી લાખો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. આ આંદોલન હવે દરેક ખેડૂત સુધી પહોંચાડવું છે. આ તાલીમ કેન્દ્ર તેનો મહત્વપૂર્ણ આધાર બનશે તેવો વિશ્વાસ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.

તેમણે ઉપસ્થિત વિભિન્ન ગામોના સરપંચોને આહ્વાન કર્યું કે, તેઓ પોતાના ગામોમાં ખેડૂતોને પ્રેરિત કરે અને “પ્રાકૃતિક કૃષિ અને ગૌ આધારિત ગ્રામ અર્થતંત્ર” ને ગામ સ્તરે અમલી બનાવે.

કાર્યક્રમની શરૂઆતમાં રાજયપાલશ્રીએ આરોગ્ય કેમ્પની મુલાકાત લઈ લોકોને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં તાપી જિલ્લા કલેકટર શ્રી ડૉ. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલીયા, ધરતી એકતા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી યોગેશભાઈ ગામીત, મુંબઈ હાઈકોર્ટના સોલિસિટર શ્રી અજયભાઈ ખટલાવાળા, ચરોતર લેઉવા પાટીદાર સમાજના ટ્રસ્ટી શ્રી પુરુષોત્તમભાઈ પટેલ, દાદા ભગવાન ટ્રસ્ટના ચેરમેન શ્રી વસંતભાઈ પટેલ, રેટિયો તુવેરદાળના ચેરમેનર શ્રી વિપીનચંદ્ર ચોખાવાળા, વ્યારા શુગર મિલના ડાયરેક્ટર શ્રી અશોકભાઈ ગામીત , ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી કુલપતિ શ્રી ડૉ. સી.કે. ટીંબડીયા, સુમુલ ડેરીના ડિરેક્ટર શ્રી જયેશ પટેલ, કૃષિ સખી, કિસાન મિત્રો, આત્માના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *