“૮મો રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૫”ની ઉજવણીની તૈયારીઓ અંગે ડીડીઓશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
સમગ્ર જિલ્લામાં ૧૫ જેટલાં વિભાગો દ્વારા તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર સુધી વિવિધ સ્તરે કાર્યક્રમો યોજાશે
——
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોમવાર : તાપી જિલ્લામાં ૮મો રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૫ને સફળ બનાવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આઈ.સી.ડી.એસ. વિભાગના ઈન્ચાર્જ અધિકારી સુશ્રી તન્વી પટેલે સમગ્ર ઉજવણીના આયોજનની માહિતી આપી હતી. સાથે સાથે આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળવિકાસ, શ્રમ અને રોજગાર, પંચાયત સહિત અન્ય સંબંધિત વિભાગોએ ઉજવણી દરમિયાન કરવાની કામગીરી અંગે પ્રેઝન્ટેશન દ્વરા જાણકારી અપાઈ હતી.
આ વર્ષે પોષણ માહની થીમ સ્થૂળતા બાબતે જાગૃતિ- ખાંડ-તેલ અને મીઠા તેમજ જંક ફૂડનો વપરાશ ઘટાડવો, પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ક્ષેત્રે પોષણ ભી પઢાઈભી, શિશુ અને નાના બાળકોને ખોરાક આપવાની પદ્ધતિઓ, પુરુષોની બાળ ઉછેર અને પારિવારિક જવાબદારીઓમાં સહભાગિતા વધારવી, વોકલ ફોર લોકલ જેવી બાબતો પર ભાર મુકવાનો છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર સુધી ચાલનારા “૮મા રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૫” દરમિયાન બાળકો, કિશોરીઓ, ગર્ભવતી તેમજ ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાનાર છે. શ્રી બુગલીયાએ આંગણવાડી કેન્દ્રો, શાળાઓ અને આરોગ્ય વિભાગ સાથે વિવિધ ૧૫ જેટલાં વિભાગોને સોંપાયેલી કામગીરી માટે તમામ વિભાગો વચ્ચે સુમેળ જાળવી વ્યાપક જનજાગૃતિ ફેલાવવા સૂચના આપી હતી.
મિશન પોષણ ૨.૦ અંતર્ગત પોષણ ટ્રેકિંગ, એનિમિયા નિયંત્રણ, સંતુલિત આહાર, શુદ્ધ પીવાનું પાણી, સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ જેવા મુદ્દાઓ પર કાળજી લેવા માટે પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવનાર છે. જેમાં જિલ્લા સ્તરે જનજાગૃતિ અભિયાન, માર્ગદર્શક શિબિરો, સ્પર્ધાઓ તથા વિવિધ કાર્યક્રમો દ્વારા સમાજના તમામ વર્ગોને જોડવામાં આવશે.
પોષણ માસ માત્ર એક અભિયાન નહિ, પરંતુ સમાજને તંદુરસ્ત ભવિષ્ય તરફ દોરી જતું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. દરેક વિભાગ, સંસ્થા અને નાગરિકોની સક્રિય ભાગીદારીથી આ અભિયાનને સફળ બનાવવા માટે સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અનીલ વસવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુ શ્રી ખ્યાતી પટેલ, જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી જયશ્રી ચૌધરી, નાયર એનર્જીના ઝોનલ કો-ઓર્ડીનેટર ગુરકીરણ કૌર તેમજ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
