વ્યારાના યુવકે વિધવા અને તેના પુત્રના નામે બેન્ક ખાતું ખોલાવી ૫૭ લાખનું ટ્રાન્ઝેક્શન કરી નાંખ્યું !!
બેંક સ્ટેટમેન્ટ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા નગરમાં સ્થાનિક યુવક દ્વારા ઘરકામ કરતી વિધવા મહિલા અને તેના પુત્રના નામે એમની જાણ બહાર બેંક ખાતા ખોલાવી બન્નેના ખાતામાંથી એક જ વર્ષમાં કુલ રૂ.૫૭ લાખની હેરફેર કરી નાંખતા વિધવા મહિલાની હાલત કફોડી થવા પામે છે. વિધવા મહિલાને અન્ન સલામતી કાયદો ૨૦૧૩ હેઠળ અનાજ બંધ કરવાની મામલતદારની નોટિસ મળતા મહિલાએ બેંકમાંથી બન્ને ખાતાના સ્ટેટમેન્ટ કઢાવતા અચરજ પમાડે એવો મામલો પ્રકાશમાં આવ્યો છે.
વ્યારા ઘરકામ કરતા સપનાબેન પરદેશીને મામલતદારની અનાજ બંધ કરવાની નોટિસ મળતા તપાસ કરી તો પરિચીત કૃણાલ પરદેશીની કરતૂત સામે આવી હતી. વ્યારાના કણઝા ફાટક પાસે રહેતા સપનાબેન ધીરજભાઈ પરદેશી (ઉ.વ.૩૯)ના પતિનું ૧૫ વર્ષ પહેલા અવસાન થયું હતું. બીપીએલ કાર્ડ ધરાવતા સપનાબેન ઘરકામ કરી બે પુત્ર અને એક પુત્રી મળી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ અગાઉ વ્યારાનાં વાડીવાલા કોમ્પ્લેક્ષમાં રહેતો તેમનો પરિચીત યુવક ઘરે આવ્યો હતો અને જરૂરી ડોક્યુમેન્ટ લઈ બેંકના ખાતા માટે ફોર્મ ભરાવ્યા હતા. સપનાબેન અને તેમના પુત્ર મનીષના નામે બેંકમાં જઈ ખાતું ખોલાવ્યું હતું. આ યુવકે બેંકની પાસબુક આવશે એટલે ઘરે પહોંચાડવાની વાત કરી હતી. 15 દિવસ પહેલા વ્યારા મામલતદાર કચેરીમાંથી વિધવા મહિલાને અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અન્વયે અનાજ કેમ બંધ ન કરવું તેની નોટિસ આવી હતી. નોટિસ આવતા તરત આ પરિચીત યુવકને તેની જાણ કરી હતી. નોટિસ જોઈ યુવકે કહ્યું હતું કે, મામલતદાર સાહેબ સાથે મારી વાત થઈ ગઈ છે, તમારો બીપીએલ કાર્ડ ચાલુ રહેશે અને તમારું અનાજ પણ તમને મળવાનું ચાલુ રહેશે. ત્યારબાદ સપનાબેને આ યુવક પાસે બેંક પાસબુકની માંગણી કરી હતી. તે વખતે આ યુવકે તે તો શોધવી પડશે એવો જવાબ આપ્યો હતો. દિવસો બાદ પણ બેંક પાસબુક ન આપતા બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવતા તે જોઇને વિધવા મહિલા ચોંકી ગયા હતા. ખાતામાંથી લાખોનું ટ્રાન્ઝેક્શન થયું હતું અને જાણ બહાર જ આઈટી રિટર્ન પણ ભરાયેલું હતું. આરટીજીએસ અને એટીએમ મારફતે કેસ અને ચેક દ્વારા ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવ્યા હતા. સપનાબેને પોતાનો મોબાઈલ નંબર બદલ્યો હોવાથી મોબાઈલમાં ઓટીપી પણ આવ્યો ન હતો અને પૈસા જમા કરવા કે ઉપાડવા અંગેનો મેસેજ પણ આવતા ન હતા. મામલતદાર કચેરીમાંથી નોટિસ આવ્યા બાદ તા.૧૭મી ઓગસ્ટ ૨૦૨૫ થી તા.૨૮ મી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાનના માત્ર ૧૨ દિવસમાં જ અંદાજે રૂ.૧૧ લાખ કરતા વધુ રકમ આરટીજીએસ અને એટીએમ મારફતે કેસ અને ચેકથી ઉપાડવામાં આવ્યા હતા. એક વર્ષમાં સપનાબેનના ખાતામાંથી રૂ.૧૩ લાખ અને પુત્ર મનીષના ખાતામાંથી રૂ.૪૪ લાખ મળી કુલ રૂ.૫૭ લાખની હેરફેર થઈ હતી. આ અંગે બારડોલી ખાતે ઈન્કમન્ક્સની ઓફિસે અને વ્યારા પોલીસ મથકે આ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અરજી કરાઈ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

