માંગરોળ તાલુકાનાં ૯૨ ગામોમાં આજદિન સુધીમાં પીવાનાં પાણીનો કોઈ પ્રશ્ન ઉભો થયો નથી !!
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : ઉનાળાની મૌસમ ચાલી રહી છે, સાથે જ છેલ્લા કેટલાંક દિવસોથી રાજ્યભરમાં વ્યાપક ગરમી પડી રહી છે, છતાં આજદિન સુધીમાં માંગરોળ તાલુકામાં પીવાનાં પાણીનો કોઈ વિકટ પ્રશ્ન ઉભો થયો નથી.
માંગરોળ તાલુકામાં કુલ ૭૨ ગ્રામપંચાયતો અને ૯૨ ગામો આવેલાં છે, પરંતુ આ ગ્રામપંચાયતો તરફથી આજદિનસુધીમાં એક પણ ગામમાં પીવાનાં પાણીનો કોઈ પ્રશ્ન ઉભો થવા પામ્યો નથી સાથે જ આ પ્રશ્ને તાલુકા પંચાયત કચેરી ખાતે કોઈ ફરિયાદ મળી નથી,તેમ છતાં માંગરોળ તાલુકા પંચાયતનાં પ્રમુખ જગદીશભાઇ ગામીતે પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ સાથે આ પ્રશ્ને ચર્ચા કરી માંગરોળ તાલુકાના જે ગામોમાં પાણીનાં બોર કે હેન્ડપમ્પ ની જરૂર હોય એ માટે પ્રમુખશ્રી એ તાલુકાનાં સરપંચો પાસે આ અંગેની માંગણીઓ મંગાવી છે,ગઈકાલ સુધીમાં ૬૦ જેટલી માંગણીઓ આવી છે.જો કે રાજ્ય સરકાર પણ આ પ્રશ્ને સફાળી જાગી છે અને રાજ્ય પાણી પુરવઠા વિભાગને આ પ્રશ્ને યોગ્ય આયોજન કરવા સૂચના આપતાં આ અંગેની ફરિયાદ માટે ટોલ ફ્રી ૧૯૧૬ અને ૧૮૦૦ ૨૩૩ ૩૯૪૪ નંબર શરૂ કર્યા છે.આ નંબરો ઉપર નાગરિક પાણી પ્રશ્ને ફરિયાદ નોંધાવી શકશે, જેમાં હેન્ડપમ્પ રીપેરીંગ,મીની પાઇપ લાઈન યોજનાનું રીપેરીંગ કામ, સોસાયટીને લગતી અન્ય કોઈપણ સમસ્યા, ગ્રામ્ય કક્ષાએ પાઇપ લાઈનમાં ભંગાણ,પાણીની ચોરી,પાણીનો ખોટો વ્યય વગેરે ફરિયાદો કરી શકાશે.