તાપી જિલ્લામાં “પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના” અંતર્ગત શેરી નાટક દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા
તાપી જિલ્લામાં દ.ગુ.વિ.કં.લિ ના વ્યારા વિભાગીય કચેરી દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના થકી મોડેલ સોલર વિલેજ સ્પર્ધા અંગેની જનજાગૃતિ માટે શેરી નાટક દ્વારા વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦. તાપી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (દ.ગુ.વિ.ક.લિ.) દ્વારા ગ્રીન એનર્જીના વપરાશને વેગ મળે અને વીજ ઉત્પાદન તથા વપરાશના ભારણને ઘટાડવા માટે “પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના” અંતર્ગત સોલર રૂફ ટોપ લગાવવા માટે પ્રચાર-પ્રસાર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. રિન્યુએબલ એનર્જીનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય અને પર્યાવરણનું સંરક્ષણ થાય એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
વ્યારા વિભાગીય કચેરીના વડા કાર્યપાલક ઇજનેર શ્રી બી.પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકાના વિવિધ ગામોના નાગરિકોને સમગ્ર દેશમાં ચાલી રહેલી “મોડેલ સોલર વિલેજ સ્પર્ધા” કે જે દરેક જીલ્લામાં એક મોડલ સોલર વિલેજ બનાવવાની સરકારશ્રીની યોજના છે, આ યોજનાની માહિતી દરેક ગ્રામજનો સુધી પહોંચે અને ગ્રામજનો તેનો લાભ મેળવે તે માટે અમદાવાદની નાટ્ય સંસ્થા “રાજુ જોષી ગૃપ” દ્વારા કુકરમુંડા તાલુકાના ફૂલવાડી, આમોદા, આશ્ર્વા તેમજ નિઝર તાલુકાના નિઝર, વેલધા, રાયગઢ, રૂમકીતળાવ અને પાટીબંદારા તેમજ ઉચ્છલ તાલુકાના મોહિની, કુઈદા, અને નારાણપુર ગામોમાં શેરી નાટક ભજવીને ગ્રામજનોને યોજનાનો લાભ સમજાવવામાં આવ્યો હતો.
આ જનજાગૃતિ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને ગુણવત્તાયુક્ત અને સસ્તી વીજળી માટે સોલર ઊર્જાના ઉપયોગ અંગે પ્રેરણા આપવામાં આવી રહી છે જેથી ગ્રામજનો આ યોજના નો પૂરતો લાભ મેળવી શકે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

