ઓલપાડની કુડસદ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કુડસદ ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે શાળાનાં આચાર્ય ભારતીબેન માટીએડા દ્વારા બાળકોને બાળ સંસદ અને ચૂંટણીનું જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ બાળકોમાં નેતાગીરીનો ગુણ વિકસે, બાળકો સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિથી અવગત થાય ઉપરાંત ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય તે છે.
સદર ચૂંટણી માટે શાળા દ્વારા પહેલાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને પ્રિસાઈડીંગ ઓફિસર તથા પોલિંગ ઓફિસરની જવાબદારી સોંપવામાં આવી હતી. મોબાઈલ એપનો ઉપયોગ કરી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણીમાં શાળાનાં ધોરણ 3 થી 8 નાં વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં કુલ મતદાનમાંથી સૌથી વધુ મત ધોરણ 8 માં અભ્યાસ કરતાં જીત અશોકભાઈ રાઠોડને મળતાં તેને શાળાનાં મહામંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં.
સદર ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા શાળાનાં સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. સૌએ સમગ્ર ચૂંટણી સ્ટાફ તથા મતદારોનો આભાર વ્યક્ત કરી વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

