માંગરોલની વાંકલ પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજવામાં આવી 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત જિલ્લાનાં માંગરોલ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત PMશ્રી પ્રાથમિક શાળા, વાંકલ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલની અધ્યક્ષતામાં કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં મહામંત્રી અરવિંદ ચૌધરી, નાણાંમંત્રી દિનેશ ભટ્ટ, સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ, કાર્યવાહક પ્રમુખ પ્રફુલ પટેલ, ઉપપ્રમુખ ઇમરાનખાન પઠાણ, રતનસિંહ વસાવા, સંજય સોલંકી, દિનેશચંદ્ર સોલંકી, મહિલા ઉપપ્રમુખ રીના રોઝલીન અને રંજન ચૌધરી, શિક્ષકજયોત સંપાદક મંડળનાં ધીરુ પટેલ, શિક્ષક કલ્યાણ નિધિનાં શાંતિલાલ પટેલ, સલાહકાર સમિતિનાં કન્વીનર અનિલ ચૌધરી ઉપરાંત દરેક તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મહામંત્રી ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રારંભે દીપ પ્રજ્વલન તથા મૌનરૂપી શ્રદ્ધાંજલિ બાદ માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ હિતેન્દ્ર ચૌધરીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. પ્રાર્થના તેમજ સ્વાગતગીત વાંકલ પ્રાથમિક શાળાની બાળાઓએ રજૂ કર્યા હતાં.

સભાની શરૂઆત થયે ગત સભાનું પ્રોસિડીંગ મહામંત્રી અરવિંદ ચૌધરીએ વાંચી સંભળાવ્યું હતું. ત્યારબાદ એજન્ડા મુજબનાં મુદ્દાઓ જેવાંકે 2005 પહેલાંનાં શિક્ષકોને OPS નો લાભ આપવા બાબત, જૂથ વીમા બાબત, સંગઠનનાં શતાબ્દી વર્ષની ઉજવણી બાબત સહિત અન્ય પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખ સ્થાનેથી કિરીટભાઈ પટેલે OPS, ઈન્ક્રીમેન્ટ, શિક્ષક ભરતી તેમજ બદલી કેમ્પ, ઉચ્ચતર પગાર કેસ તથા પેન્શન કેસ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરી હતી. સભાનાં દ્વિતીય ચરણમાં એજન્ડા મુજબ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં નવનિયુક્ત બિનહરીફ હોદ્દેદારોનું જિલ્લા સંગઠન દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે પોતાનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે સંગઠનની ખુમારી ક્યારેય વેચશો નહીં. સંગઠનનાં સાચા સંત્રી તરીકે શિક્ષકોનાં પ્રશ્નોને વાચા આપવી એ આપણો સંગઠન ધર્મ છે પણ તેની સાથે શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવી શાળાની સ્થિતિ મજબૂત બનાવવી એ આપણી પ્રથમ ફરજ છે. તેમણે સંગઠનને વફાદાર રહીને ટીમવર્કથી નીડરતાપૂર્વક કાર્ય કરવા સૌને અનુરોધ કર્યો હતો. આ તકે દરેક તાલુકા ધટક સંઘે પોતપોતાનાં સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરી હતી.

અંતમાં આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ પ્રફુલ પટેલે આટોપી હતી. સભાને સફળ બનાવવા માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો તથા વાંકલ પ્રાથમિક શાળાનાં સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other