ત્રિમાસિક નાણાકીય સાક્ષરતા અભિયાન અંતર્ગત ડોલવણ તાલુકાના કલકવા ગામે મેગા કેમ્પ યોજાયો
બેંક ઓફ બરોડા દ્વારા યોજાયેલ કેમ્પમાં લોકોને સરકારની વિવિધ નાણાકીય યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું
નાણાંકીય સાક્ષરતા મેગા કેમ્પ દરમિયાન ૩૮ નાગરિકોએ બેંકની વિવિધ નાણાંકીય યોજનાઓનો લાભ મેળવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસ (DFS), ભારત સરકારના માર્ગદર્શન અનુસાર સમગ્ર રાષ્ટ્રમાં તા. ૧ જુલાઈથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ત્રણ માસીય નાણાંકીય સાક્ષરતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલકવા ગામ પંચાયત ખાતે વિશાળ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.કેમ્પ દરમિયાન કુલ ૩૮ લોકોએ બેંકની વિવિધ નાણાંકીય યોજનાઓનો લાભ લીધો હતો.
કેમ્પનું મુખ્ય ઉદ્દેશ ગામસ્તર સુધી નાણાંકીય સેવાઓ પહોંચાડવાનો અને લોકોમાં નાણાંકીય જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો. કેમ્પનો શુભારંભ ડોલવણ તાલુકા વિકાસ અધિકારી શ્રી નીતિન પરમારની અધ્યક્ષસ્થાનેથી કરવામાં આવ્યો હતો. તેમણે લોકોને PMJJBY, PMSBY અને અટલ પેન્શન યોજના જેવી સમાજલક્ષી યોજનાઓમાં જોડાવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી સૌરભ વ્યાસે ખાસ હાજરી આપી ડિજિટલ ફ્રોડના મામલામાં જાગૃત રહેવા માટે માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે દરેક લાભપાત્ર વ્યક્તિએ સરકારશ્રીની વીમા અને પેન્શન યોજનાનો લાભ અવશ્ય લેવો જોઈએ.
કેમ્પ દરમિયાન નાબાર્ડના ડીડીએમ શ્રી ઉત્કર્ષ દેશમુખે ખાતા નોમિનેશન બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.
લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવાએ સમગ્ર અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં તા. ૧ જુલાઈથી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ચાલનારી ઝુંબેશ હેઠળ હાલના નિષ્ક્રિય PMJDY ખાતાઓની KYC ચકાસણી, PMJJBY, PMSBY અને APY હેઠળ નવી નોંધણીઓ, બેંક ખાતા વગરના પુખ્ત વયના લોકોને PMJDY હેઠળ ખાતા ખોલાવા સહીત ડિજિટલ છેતરપિંડી નિવારણ માટે જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
આ પ્રસંગે કલકવા ગામના સરપંચ શ્રીમતી સ્મિતાબેન પટેલ, ઘાણીના સરપંચ શ્રીમતી શિવાનીબેન પટેલ, મિશન મંગલમના શ્રી રવિ પટેલ, તલાટી શ્રીમતી ભક્તિબેન, બેંક BC મિત્રો, બેંક મેનેજર શ્રી જીગ્નેશ ગામીત તથા FLCCના શ્રી અનિલ ગામીત ઉપસ્થિત રહ્યા હતા. અનિલ ગામિતે સરસ રીતે સંચાલન કરી ગ્રામજનને વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

