વ્યારા ખાતે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત સિકલસેલ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

આરોગ્ય વિભાગના સહયોગથી ગ્રામ્ય વિસ્તારોમાં સિકલ સેલ રોગ જાગૃતિ-સારવાર અંગે વિશેષ કામગીરી કરાઈ રહી છે – રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ

શિક્ષણ તથા આરોગ્ય સુવિધાઓના વિકાસ માટેની સુદ્રઢ પ્રતિબદ્ધ વ્યક્ત કરતા મંત્રીશ્રી હળપતિ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મિનિસ્ટ્રી ઓફ ટ્રાયબલ અફેર્સના “જનજાતીય ગૌરવ વર્ષ” અને “ધરતી આબા જનભાગીદારી અભિયાન” અંતર્ગત તાપી જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓમાં સિકલ સેલ રોગ અંગે જાગૃતિ ફેલાવવાના ઉમદા આશય સાથે રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેનો એકમાત્ર આશય સિકલસેલ રોગ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે, સિકલ સેલ રોગ આદિજાતિ સમાજ માટે ગંભીર આરોગ્ય પડકાર સમાન છે. લોહીના કોષોને અસર કરતા આ રોગની સારવાર નહીં થાય તો ગંભીર પરિણામ આપી શકે છે. રાજ્ય સરકારે અ બાબતને કેન્દ્રમાં રાખીને નિઃશુલ્ક રક્તચકાસણી, જાગૃતિ અભિયાન અને તાત્કાલિક સારવાર માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં તબીબી ટીમો દ્વારા ચકાસણી અને જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાય છે. તબીબી સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્રો અને આરોગ્ય વિભાગ દ્વારા પણ વિશેષ કામગીરી શરૂ કરી છે.

મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડા માત્ર ઐતિહાસિક પાત્ર નહીં પરંતુ આદિવાસી સમાજના ગૌરવ અને આત્મસન્માનનું પ્રતિક છે. વધુમાં મંત્રીશ્રીએ “ધરતી આબા જનભાગીદારી અભિયાન”ના પ્રેરણાદાયક ઉદ્દેશો અંગે માહિતી આપતા કહ્યું કે આ અભિયાનનો હેતુ આદિજાતિ સમુદાયના શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય, સશક્તિકરણ સહિત સર્વાંગી વિકાસનો છે.

નોંધનીય છે કે, વિદ્યાર્થીઓ માટે અહીં વર્ગખંડ અને લાઇબ્રેરી બનાવવા માટે મંજૂરી અંગે દરખાસ્ત કરશે તેમ પણ તેઓશ્રીએ જણાવ્યું હતું, અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે, નિશુલ્ક આરોગ્ય તપાસની કેમ્પ પણ ખુલ્લો મુકાયો હતો. જ્યાં, આરોગ્ય વિભાગના તજજ્ઞોએ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરી હતી. તેમજ વિવિધ રોગો, લક્ષણો, સારવાર અને સમયસર ચકાસણીની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, ર.ફુ.દા.બી. કેળવણી મંડળના અગ્રણીઓ, કોલેજના પ્રિન્સિપાલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other