ઓલપાડની બલકસ પ્રાથમિક શાળામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની બલકસ પ્રાથમિક શાળામાં ઓલપાડ તાલુકા ભાજપા પ્રમુખ કુલદીપસિંહ ઠાકોરની આગેવાનીમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમની સાથે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, તળાદ હાઈસ્કૂલનાં નિવૃત્ત આચાર્ય દોલતસિંહ ઠાકોર તથા નિવૃત્ત શિક્ષક હરિસિંહ ઠાકોર જોડાયા હતાં આ પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો, ગ્રામ પંચાયતનાં સભ્યો તથા વાલીજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમનાં ભાગરૂપે અત્રે પ્રવેશપાત્ર આંગણવાડી તથા બાલવાટિકાનાં બાળકોને કુમકુમ તિલક કરી ફૂલો વડે વધાવીને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં શાળામાં આવકાર આપવામાં આવ્યો હતો. પ્રારંભે શાળાનાં આચાર્ય અને ઈન્ચાર્જ બીટ નિરીક્ષક એવાં ભરતભાઈ ટેલરે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કર્યા હતાં. આ પ્રસંગે કાર્યક્રમનાં અધ્યક્ષ કુલદીપસિંહ ઠાકોરે 22 માં પ્રવેશોત્સવનાં હેતુ અને સિદ્ધિ વર્ણવીને પ્રવેશ પામેલ બાળકોને આશીર્વચન પાઠવ્યા હતાં. જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખ કિરીટભાઈ પટેલે જીવનમાં શિક્ષણનાં મહત્વ વિશે વાત કરી વાલીઓને તેમનાં બાળકોનાં યોગ્ય અભ્યાસ માટે પ્રેરણા આપી હતી.
કાર્યક્રમમાં પ્રવેશ પામેલ તમામ બાળકોને દફતર કીટ તથા તેજસ્વી તારલાઓને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે પ્રોત્સાહક ઈનામ અર્પણ કરવામાં આવ્યા હતાં. અંતમાં શાળાનાં ઉપશિક્ષક અને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી એવાં મહેન્દ્રસિંહ ઠાકોરે આભારવિધિ આટોપી હતી. સડક સલામતીની પ્રતિજ્ઞા બાદ એક પેડ માં કે નામ અંતર્ગત શાળા પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
