તાપી જિલ્લામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
આધાર આધારિત વિતરણ વ્યવસ્થા, ઇ-કેવાયસી અને ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજના અંગે સમીક્ષા તથા અગત્યના સૂચનો કરાયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦. તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્ય તથા તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના અને સમિતિની નિયમિત બેઠક યોજવા અંગે સમીક્ષા કરાઈ હતી.
બેઠકમાં વ્યાજબી ભાવોની દુકાનો પર આધાર આધારિત વિતરણ વ્યવસ્થાની કાર્યક્ષમતા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જેમાં મે-૨૦૨૫ દરમિયાન તાપી જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ અંતર્ગત નોંધાયેલા કુલ ૧,૫૩,૮૪૮ રેશનકાર્ડ ધારકોમાંથી ૯૭.૨૧% એટલે કે ૭,૪૯,૫૫૫ લાભાર્થીઓએ અનાજ મેળવ્યું હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું.
આ બેઠકમાં રેશનિંગ દુકાનોના સ્થાન પરિવર્તન, ૧૦૦% આધાર વેરિફાઇડ અનાજ વિતરણ, આધાર ડિસેબલ કાર્ડ ધારકોના eKYC કાર્ય, વન નેશન વન રેશન કાર્ડ યોજનાની અમલવારી તેમજ છેલ્લાં ત્રણ માસ દરમ્યાન થયેલી વ્યાજબી ભાવની દુકાનોની તપાસ અંગે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ eKYC પ્રક્રિયાને વેગ આપવા, લાભાર્થીઓ સુધી અનાજ વિતરણમાં પારદર્શકતા અને સુવિધા સુનિશ્ચિત થાય તેવા રચનાત્મક સૂચનો કર્યા હતા.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા, પ્રાયોજના વહિવટદાર શ્રી જયંતસિંહ રાઠોડ, પુરવઠા અધિકારીશ્રી સાગર મોવાલિયા સહિત સમિતિના વિવિધ સભ્યો હાજર રહ્યા હતા.
00
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
