તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને સોનગઢના ખરશી અને નાના કાકડકુઆ ખાતે *શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

”આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ”: શાળા પ્રવેશોત્સવ બીજો દિવસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૭. ત્રી-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમનો સમગ્ર તાપી જિલ્લામાં તા.૨૬ થી શુભારંભ થયો છે. આજે બીજા દિવસે સોનગઢના પ્રાથમિક શાળા ખરસી અને સરકારી માધ્યમિક શાળા નાના કાકડકુવા ખાતે તાપી જિલ્લા પ્રભારી અને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.
મંત્રીશ્રીએ વક્તવ્ય આપવાનું ટાળતા જણાવ્યું હતું કે વક્તવ્ય આપવા કરતા બાળકોની સાથે વાતચીત કરવાથી બાળકોને વધુ પ્રેરણા મળશે તેમ ઉમેરી શાળાના બાળકો સાથે સીધો સંવાદ સાંધ્યો હતો. તેમણે બાળકોને જોડકણા, ગીતો, ઉખાણા અને તેઓ તેમના જીવનમાં શું બનવા માંગે છે આ અંગે સરળ વાર્તાલાપ કાર્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે આપણા ગુજરાતના ખૂણે ખૂણાના ગામમાં દરેક બાળકોને પ્રવેશ મળવો જોઈએ, ભણતર એ આપણો દરેક ભારતીય નાગરિકોને હક્ક છે અને સમગ્ર ગુજરાતમાં ૧૦૦% પ્રવેશ થાય તેવી સૌની ઈચ્છા છે.
મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે કન્યા કેળવણી પર ખાસ ભાર મુક્તા જણાવ્યું હતું કે દરેક ઘરની દીકરી ભણે અને બે પરિવાર રોશન કરે. આપણો તાપી જિલ્લો છેવાડાનો જિલ્લો હોવા છતાં સ્ત્રી-પુરુષનો વસ્તીદર અહી સારો છે.એનો અર્થ એ થયો કે મારા આદિવાસી ભાઈઓ બહેનો ખુબ આગળનું વિચારે છે. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું તથા ગ્રામ લોકો સાથે ચર્ચા કરાઈ હતી.
શાળામાં એક પેડ, માં કે નામ, શિક્ષણાધિકારીની કચેરીના પ્રયાસથી બાલતરૂ નામનો વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તમામ નાગરિકોને તેમજ બાળકોને પ્લાસ્ટિક ન વાપરવા અને જ્યાં ત્યાં કચરો ન કરવા અપીલ કરી હતી. સાથે સાથે “ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” જેવા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં આ વર્ષે આંગણવાડી, બાલ વાટિકા, ધોરણ-૧ અને ૯માં કુલ મળીને ૨૧ હજારથી વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. જિલ્લામાં આ ત્રણ દિવસ દરમિયાન તમામ ૭ તાલુકાઓમાં રાજ્ય કક્ષાના અધિકારીશ્રીઓ, જિલ્લા કક્ષાના વર્ગ ૧ અને ૨ ના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો શાળા પ્રવેશોત્સવમાં જોડાયા છે.
આ શાળા પ્રવેશોત્સવમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી અલ્પના નાયર, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, સરપંચશ્રીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
